ભારત-પાકિસ્તાન સરહદ પર રાત્રી-ચોકીપહેરો રાખવાનો પંજાબ-પોલીસવડાનો આદેશ

ચંડીગઢઃ પંજાબના નવા નિમાયેલા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) ઈકબાલ પ્રીતસિંહ સહોતાએ તમામ સરહદીય જિલ્લા પોલીસ વડાઓને આદેશ આપ્યો છે કે તેઓ ભારત-પાકિસ્તાન સરહદ પર દરરોજ રાતે 9 વાગ્યાથી લઈને સવારે ચાર વાગ્યા સુધી કડક રાત્રી ચોકીપહેરો ભરવાનું અને ચાંપતી દેખરેખ રાખવાનું શરૂ કરે. સરહદીય જિલ્લાઓ છેઃ પઠાણકોટ, ગુરદાસપુર, બટાલા, અમૃતસર ગ્રામીણ, તરન તારણ, ફિરોઝપુર અને ફાઝિલ્કા.

પોલીસ વડા સહોતાએ બોર્ડર સિનિયર પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ્સને આદેશ આપ્યો છે કે સરહદીય જિલ્લાઓને સેક્ટરમાં વિભાજીત કરી દેવામાં આવે અને દરેક સેક્ટરમાં ગેઝેટેડ ઓફિસરને ફરજ પર મૂકે જેમણે અંગત રીતે રાત્રી દેખરેખની કામગીરી સંભાળવાની રહેશે. ખાસ કરીને જમ્મુ અને કશ્મીર સરહદ પરના ચેકનાકા સહિત પંજાબના તમામ આંતરરાજ્ય ચેકનાકાઓ પર ચાંપતી દેખરેખ રાખવાની રહેશે અને તમામ વાહનોનું કડક રીતે ચેકિંગ કરવાનું રહેશે. સરહદ પારથી ડ્રોનની હિલચાલ પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે.

પંજાબ રાજ્યની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ 553 કિ.મી. લાંબી છે અને તેની પર લોખંડની કાંટાળી વાડ મૂકવામાં આવી છે.