સારા… આકાશ તુમ્હારા!

લેડીસ ઍન્ડ જેન્ટલમેન, બૉય્સ ઍન્ડ ગર્લ્સ…જો તમે સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના નિયમિત વાચક છો તો તમને ખ્યાલ હશે જ કે ગયા અઠવાડિયે અમે કવરસ્ટોરી માટે એક વેગળો વિષય હાથ ધર્યો છેઃ ચાઈલ્ડ-ફ્રી મેરેજ અથવા એવાં દંપતી, જેમને બાળકો પેદા નથી કરવાં. નથી વાંચી? તો પણ આ ‘મોજમસ્તી અનલિમિટેડ’ તમને ગમશે ને પેલી કવરસ્ટોરી વાંચવાનું કુતૂહલ જગાડશે.

બન્યું એવું કે કવરસ્ટોરી લખ્યાના બે-ત્રણ દિવસ બાદ ‘પ્રાઈમ વિડિયો’ પર ખાંખાખોળા કરતાં હાથ લાગ્યું આ મોતીઃ મલયાલમ ફિલ્મ ‘સારા’સ.’ ડિરેક્ટર જુડ એન્થની અને સ્ક્રિપ્ટરાઈટર અક્ષય હરીશે પેન્ડેમિકમાં શૂટ કરેલી આ ફિલ્મનો વિષય છેઃ ચાઈલ્ડ-ફ્રી મેરેજ.

પચીસ વર્ષની સારા (આના બેન) મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઍસોસિયેટ ડિરેક્ટર તરીકે કામ કરે છે. સારાનું એકમાત્ર સપનું છે પરદા પર ‘અ ફિલ્મ બાય સારા વિન્સેન્ટ’ લખાણ જોવું અર્થાત પોતે લખેલી વાર્તા પરથી ફિલ્મ ડિરેક્ટ કરવી. વાર્તામાં સચ્ચાઈ લાવવા એ એક ફોરેન્સિક એક્સપર્ટને મળે છે. ત્રીશી વટાવી ગયેલાં એ બહેનના ઘરની વારંવાર વિઝિટ દરમિયાન સારા એમના ભાઈ જીવન (સની વેન)ને મળે છે, બન્નેના વિચાર જામે છે. સારા સ્કૂલમાં ભણતી હોય છે ત્યારથી એણે ગાંઠ વાળી હોય છે કે એ લગ્ન કરશે તો બાળક પેદા નહીં કરે. જીવનને પણ ચાઈલ્ડ-ફ્રી રહેવું છે. લગ્ન થાય છે. જીવન નોકરીમાં પ્રમોશન મેળવી ઊંચાઈ પર પહોંચે છે, જ્યારે સારા સ્ક્રિપ્ટ લઈને પ્રોડ્યુસરની ઑફિસનાં ધક્કા ખાય છે. નસીબજોગે એને પ્રોડ્યુર મળી જાય છે, હીરોની ડેટ્સ પણ મળી જાય છે, પતિ-પત્ની ખુશખુશાલ થઈને સેલિબ્રેશન કરે છે, પણ સબૂર. આ શું? કૉન્ટ્રાસેપ્ટિવ ફેઈલ્યૉરને લીધે સારાને સારા દિવસો જાય છે… હવે, આગળ શું થાય છે એ જાણવા ફિલ્મ જોવી પડે.

મને ‘સારા’સ’ વિશે ગમી ગયેલી ઘણીબધી વાતો માંની એક એ કે ફિલ્મ ક્યારેય એના મધ્યવર્તી વિચારથી આમતેમ ફંટાતી નથીઃ ફિલ્મમેકર બનવાની સારાની પ્રબળ ઈચ્છા ને પ્રેગ્નન્સી બાદ લાઈફમાં એણે શું કરવું એ અંગે એણે લીધેલો નિર્ણય.

બન્ને, લેખક અને દિગ્દર્શકે વિષય (ચાઈલ્ડ-ફ્રી મેરેજ)નો ઊંડો અભ્યાસ કર્યો છે. લગ્ન બાદ એકાદ અઠવાડિયામાં સારા પર બાળક આપવાનું પરિવાજનોનું, ખાસ કરીને સાસુમાનું પ્રેશર શરૂ થઈ જાય છે. સારા એમને કહે છે કે “તમારું અડધું આયખું બે બાળકોને મોટાં કરવામાં, એમને ભણાવવા-ગણાવવામાં, એમને સૅટલ કરવામાં વીતી ગયું. એ બાળકો, જે આજે તમને સાથે રાખવા રાજી નથી…આમ છતાં આવું કરવામાં તમને સંતોષ, ખુશી મળ્યાં હશે. ફાઈન, પણ મારે માટે એ હૅપિનેસ નથી. મારે જીવનમાં કંઈ કરવું છે.”

જો કે મારો એક ધોખો એ છે કે સારાનું કેરેક્ટર જેટલું જડબેસલાક ઊપસ્યું છે એની સરખામણીએ બીજાં કેરેક્ટર ઉપરછલ્લાં લાગે છે. અમુક પાત્રનું ટ્રાન્સ્ફૉર્મેશન પણ ઉપલકિયું ને સગવડિયું લાગે છે, ખાસ કરીને અંતભાગમાં. સારા અને જીવનનું કાઉન્સેલિંગ કરતા ડૉક્ટરની અમુક વાત પણ ઉપદેશાત્મક લાગે છે.

આમ છતાં સો વાતની એક વાતઃ ફિલ્મ અવશ્ય જોવાલાયક બની છે. માતૃત્વ વિના સ્ત્રીનું જીવન અધૂરું ગણાય એવા સમાજે રચેલા માપદંડને પડકારવો એ સહેલી વાત નથી. હિંદી સિનેમાના મોટા ગજાના સર્જકો એ બાજુ ફરકતાં અચકાય છે. કરીના કપૂરની ‘કી ઍન્ડ કા’થી લઈને અક્ષયકુમાર-કરીના કપૂરની ‘ગુડ ન્યુઝ’ જેવી ફિલ્મમાં દિગ્દર્શકોએ પોતાની નાયિકાને કરિયર-સેન્ટ્રિક જરૂર બતાવી, પણ પછી એણે માતા બનીને ઘરસંસાર સંભાળી લીધો. હરિયાણાના એક કાલ્પનિક કુસ્તીબાજની કથા માંડતી સલમાન ખાનની ‘સુલતાન’માં એની મહિલા કુસ્તીબાજ પત્ની (અનુષ્કા શર્મા) ઑલિમ્પિકમાં સ્વર્ણપદક હાંસલ કરવાની તૈયારી કરી રહી છે, પણ પ્રેગ્નન્ટ બન્યા બાદ એ એનું સપનું ભૂલી જાય છે.

ફિલ્મમાં સારાના પાત્રમાં આના બેને કમાલ કરી છે એમ કહેવું અલ્પમૂલ્યાંકિત ગણાશે. બલકે જે જે જગ્યાએ લેખન નબળું પડતું જણાય ત્યાં સારા એને ઉપર લઈ જાય છે. પ્રોડ્યુસર મેળવવાની એની સ્ટ્રગલ તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે રીતે કામ ચાલે છે એનાં અમુક સીન્સ પણ અસરકારક બન્યા છે. દિલ્હી-ગુરગાવ-ઉત્તર પ્રદેશ-મુંબઈને બદલે કોચી ને કેરળનાં ગિરિમથક જેવાં લોકાલ્સ આંખને આહલાદક ચેન્જ આપે છે. બે કલાકની સારા’સ ‘પ્રાઈમ વિડિયો’ પર સબટાઈટલ્સ સાથે ઉપલબ્ધ છે. રસ હોય તો જોઈ કાઢો.

કેતન મિસ્ત્રી