નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામું સુપરત કર્યું હતું. તેમણે કબૂલ કર્યું હતું કે તેમની પાસે બહુમત ના હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. તેમણે આ પહેલાં પત્રકાર પરિષદને સંબોધીને તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યની સાડાસાત કરોડની જનતા સાથે વિશ્વાસઘાત થયો છે. ભાજપે અમારા 22 વિધાનસભ્યોને બંધક બનાવ્યા છે. કરોડો રૂપિયા ખર્ચીને આ ખેલ ખેલાયો છે. અમારી સરકાર બન્યાના પહેલા દિવસથી જ ભાજપે અમારી સામે ષડયંત્ર શરૂ કર્યું હતું. ભાજપને 15 વર્ષ મળ્યાં હતાં અને મને માત્ર 15 મહિના મળ્યા. એમાંથી પણ અઢી મહિના તો લોકસભાની ચૂંટણીની આચારસંહિતામાં ગયા. મેં રાજ્યના હિતમાં કામ કર્યું હતું, પણ ભાજપને એ ગમ્યું નહોતું. ભાજપે અમારી વિરુદ્ધ નિરંતર કામ કર્યું હતું.
વિધાનસભા સ્પીકરે 16 બળવાખોર વિધાનસભ્યોનાં રાજીનામાં સ્વીકાર્યાં
મધ્ય પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ એન. પી. પ્રજાપતિએ કહ્યું હતું કે મેં 16 વિધાનસભ્યોનાં રાજીનામાંનો સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત મેં ભાજપના MLA શરદ કોલનું પણ રાજીનામું સ્વીકાર્યું છે.