નવી દિલ્હીઃ પ્રદૂષિત વાયુ ગુણવત્તાથી ઝઝૂમી રહેલી દિલ્હીમાં મંગળવારે સવારે પ્રદૂષણનો સ્તર બહુ ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવ્યું હતું. દિલ્હીમાં AQI- વાયુ ગુણવત્તા સૂચકાંક 395 નોંધવામાં આવ્યો હતો. પડોશી રાજ્યો હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનાં કેટલાંય શહેરોમાં વાયુ ગુણવત્તા ખતરનાક સ્તરે ખરાબ છે. ગાઝિયાબાદમાં AQI 338, ગુરુગ્રામમાં 364, નોએડામાં 348, ગ્રેટર નોએડામાં 439 અને ફરિદાબાદમાં 382 નોંધાયો હતો. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટે ફટકડા પર પ્રતિબંધ મૂકવાને મામલે સુનાવણી કરતાં કહ્યું હતું કે અમે જે પાછલો આદેશ આપ્યો હતો, એ માત્ર દિલ્હી માટે જ નહોતો.
કોર્ટે કહ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો અમારો આદેશ દેશઆખા માટે હતો.અમે જૂના આદેશમાં ફટાકડાનો સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ સ્થાનિક સરકારો પર છોડ્યો હતો. એ સાથે હોસ્પિટલ જેવી આરોગ્ય જેવી સંવેદનશીલ જગ્યાઓ પર ફટાકડા ના ફોડવા, ફટાકડા ફોડવાની સમયમર્યાદા નક્કી કરવા માટે નિર્દેશ આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે NCRમાં આવનારા રાજસ્થાનના વિસ્તારો માટે પણ દિલ્હી NCRવાળા નિયમો લાગુ થશે. ત્યાં પણ ફટાકડા પર પ્રતિબંધ રહેશે.
કોર્ટે દિલ્હી NCR સહિત દેશભરનાં અન્ય શહેરોમાં વધતા પ્રદૂષણને મામલે સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરી હતી. પંજાબમાં પરાલી સળગાવવાની સાથે દેશના બાકી ભાગોમાં વિવિધ કારણોથી પ્રદૂષણના સ્તરમાં થઈ રહેલા વધારાને જોતાં કોર્ટે કહ્યું હતું કે આ માત્ર કોર્ટનું જ કામ નથી કે એ પ્રદૂષણને અટકાવે, આ બધાની જવાબદારી છે. ખાસ કરીને સરકારની સૌથી વધુ જવાબદારી છે.