શ્રીરામ મંદિર સાથે અયોધ્યામાં રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ પણ આવશે

અયોધ્યાઃ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના ઉદઘાટનની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકો એને ભગવાન શ્રીરામની અયોધ્યાની વાપસી તરીકે પણ જોઈ રહ્યા છે, પણ રામ મંદિરથી શ્રીરામ નહીં, પણ અયોધ્યાના અર્થતંત્રને વેગ આપવા માટે રૂ. 85,000 કરોડ પણ લાવવાના છે.

અયોધ્યામાં રામ મંદિરની સાથે આજુબાજુના ક્ષેત્રનો વિકાસ અને અર્થતંત્રને પણ વેગ મળશે. રામ મંદિરથી ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. આ સિવાય ઇન્સ્ટ્રાક્ચરથી માંડીને હોસ્પિટાલિટી, FMCG સેક્ટર સુધીની કંપનીઓ મૂડીરોકાણ કરી રહી છે.

અયોધ્યાના માસ્ટર પ્લાન-2031 મુજબ એનું રિડેવલપમેન્ટ 10 વર્ષમાં પૂરું થશે. રામ મંદિરના ઉદઘાટન પછી પ્રત્યેક દિવસે ત્રણ લાખ પર્યટકો અયોધ્યા પહોંચવાનો અંદાજ છે. આટલા લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે અહીં રિડેવલપમેન્ટ પર આશરે રૂ. 85,000 કરોડ ખર્ચ થવાનો અંદાજ છે.

અયોધ્યાને નવો લુક આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની 37 એજન્સીઓ પહેલેથી જ કામ કરી રહી છે. એ માટે આશરે રૂ. 31,660 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. NHAI રૂ. 10,000 કરોડના પ્રોજેક્ટ સંભાળી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર રૂ. 75,000 કરોડના આશરે 34 પ્રોજેક્ટો પર પહેલેથી જ કામ કરી રહી છે. એરપોર્ટ, રેલવે અને હાઇવેનો વિકાસ અલગ થઈ રહ્યો છે.

શ્રીરામ મંદિર નિર્માણ સમિતિના ચેરપર્સન નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે રામ મંદિરના ઉદઘાટન પછી આસપાસના વિસ્તારોમાં આર્થિક કામગીરી વધશે, વેપારથી માંડીને રોજગારીની તકો વધશે.