રામ જન્મભૂમિ કેસઃ ત્રણ સભ્યોની કમિટી કરશે મધ્યસ્થી, લોકસભા ચૂંટણી સુધી નિર્ણય નહીં

નવી દિલ્હી- રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં મધ્યસ્થી કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત જજ કે એમ ખલીફુલ્લાને પેનલના ચેરમેન નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત ત્રણ સભ્યોની પેનલમાં શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુનો પણ સમાવેશ કરાયો છે. ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં આ મધ્યસ્થીની ચર્ચા કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે વહેલી તકે મધ્યસ્થીની ચર્ચા કરવા માટે જણાવ્યું છે તેમજ ચાર સપ્તાહમાં સુપ્રીમ કોર્ટને પ્રાથમિક રિપોર્ટ સોંપવા જણાવાયું છે. સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપતા આઠ અઠવાડિયામાં એટલે કે બે મહિનામાં મધ્યસ્થીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવા જણાવ્યું છે. જો કે બેઠક ફૈઝાબાદમાં ક્યાં મળશે અને કેટલા સમયમાં મળશે તે અંગે હવે પછી જાણ થશે.

સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલામાં ચુકાદો સંભળાવતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે કોર્ટની દેખરેખમાં મધ્યસ્થાની કાર્યવાહી ગોપનીય રીતે થશે. મધ્યસ્થતાની કાર્યવાહી ઓન-કેમેરા આયોજિત કરવી જોઈએ. મધ્યસ્થતા પ્રક્રિયા ફૈજાબાદમાં આયોજિત કરવામાં આવશે.

હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે અમને નથી લાગતું કે મધ્યસ્થતાના માધ્યમથી આ મામલાનો ઉકેલ આવી શકશે. પરંતુ જોકે માનનીય કોર્ટે એક પ્રક્રિયા રાખી છે. અમે રાહ જોઈશું. બીજી તરફ, મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અન્સારીએ કહ્યું કે વાતચીતથી ઉકેલાઈ જાય તો સારું છે. અમે મામલામાં ચુકાદો ઈચ્છીએ છીએ.

 

અગાઉ સુપ્રીમ કોર્ટે બુધવારે બંન્ને પક્ષોના વકીલને સાંભળ્યા બાદ આ કેસમાં સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિયુક્ત અને દેખરેખ હેઠળ મધ્યસ્થી માટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠ‌ળની પાંચ જજોની બંધારણીય બેન્ચે સ્પષ્ટ જણાવ્યું કે તેઓ અયોધ્યા જમીન વિવાદ અને તેના પ્રભાવને ગંભીરતાથી સમજે છે અને એટલા માટે જ આ મુદ્દે વહેલી તકે ચુકાદો જાહેર કરવા માંગે છે. બેન્ચે વધુમાં જણાવ્યું કે પક્ષકારો મધ્યસ્થીના નામોનું સુચન કરી શકે છે.

આ મામલે હિન્દુ પક્ષકારો તરફથી મધ્યસ્થી માટે ઈનકાર કરવામાં આવ્યો હતો. જ્યારે મુસ્લિમ પક્ષકારો દ્વારા મધ્યસ્થી માટે સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી.