અતીકની પત્ની શાઈસ્તા ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગારોના લિસ્ટમાં

પ્રયાગરાજઃ ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અતીક એહમદની ગયા શનિવારે અત્રે હત્યા કરાયા બાદ એની પત્ની શાઈસ્તા પરવીન ગાયબ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ પોલીસે મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની બનાવેલી યાદીમાં શાઈસ્તાનો પણ ઉમેરો કર્યો છે. એને પકડવા માટે સત્તાવાળાઓએ મોટી રકમનું રોકડ ઈનામ પણ જાહેર કર્યું છે. અતીકના પાંચ પુત્રોમાંના ચાર હાલ કસ્ટડીમાં છે. ત્રીજા નંબરનો પુત્ર અસદ એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

શાઈસ્તાને પકડવા માટે ઉત્તર પ્રદેશ સરકારે રૂ. 50,000ના રોકડ ઈનામની જાહેરાત કરી છે અને તમામ નાગરિકોને અપીલ કરી છે કે શાઈસ્તાનો પત્તો લાગે કે એનાં વિશે કોઈ માહિતી મળે તો તરત જ પોલીસને જાણ કરવી.