છત્રપતિ સંભાજીનગરઃ મહારાષ્ટ્રના આ શહેર (અગાઉનું નામ ઔરંગાબાદ)ના વાળૂજ એમઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગઈ મધરાત બાદ ભીષણ આગ લાગી હતી. તે દુર્ઘટનામાં છ કામદારનું કરૂણ મૃત્યુ થયું છે. તે ફેક્ટરીમાં હેન્ડ ગ્લોવ્સ બનાવવામાં આવતા હતા. અગ્નિશામક દળ વિભાગના અધિકારીઓએ કહ્યું કે એમને આગની જાણ રાતે 2.15 વાગ્યે કરવામાં આવી હતી. અમારા જવાનો તાબડતોબ ત્યાં પહોંચી ગયા હતા. આખા કારખાનામાં આગ લાગી હતી. અમારા જવાનો અંદર પ્રવેશ્યા હતા ત્યારે એમને છ મૃતદેહ મળ્યા હતા. આગ લાગ્યા બાદ ચાર કામદાર કારખાનામાંથી બહાર ભાગી જઈને એમનો જાન બચાવવામાં સફળ થયા હતા.
મૃતકોમાં એક વરિષ્ઠ નાગરિક અને એક 18 વર્ષના યુવકનો સમાવેશ થાય છે. મૃતકોનાં નામ છેઃ મુશ્તાક શેખ (65), કૌશર શેખ (32), ઈકબાલ શેખ (18), કકનજી (55), રિયાઝભાઈ (32) અને મરગુમ શેખ (33). મૃતકોનાં શરીર પર દાઝવાના નિશાન જોવા મળ્યા નહોતા. પ્રાથમિક તપાસમાં એવું માલુમ પડ્યું છે કે આગના ધૂમાડાથી ગૂંગળાઈ જવાથી તેઓ મૃત્યુ પામ્યા હતા. આ કારખાનું સનશાઈન એન્ટરપ્રાઈઝ કંપનીનું છે. તેમાં લગભગ 20-25 કામદારો કામ કરતા હતા. એમાંના કેટલાક જણ રાતના કારખાનામાં જ રહી જતાં હતાં. એ સૌ ગઈ કાલે મધરાતે ઊંઘમાં હતાં ત્યારે જ ભયાનક આગ લાગી હતી.