ISRO 1 જાન્યુઆરીએ ઐતિહાસિક સેટેલાઇટ લોન્ચ કરશે

વર્ષ 2024 ના પ્રથમ દિવસે ISRO વિશ્વના બીજા અને દેશના પ્રથમ એવા સેટેલાઇટનું લોન્ચ કરવા જઈ રહ્યું છે, જે પલ્સર, બ્લેક હોલ, આકાશગંગા, રેડિયેશન વગેરેનો અભ્યાસ કરશે. તેનું નામ XPoSAT છે. તેને PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે. અગાઉ નાસાએ આ પ્રકારનું સેટેલાઇટ લોન્ચ કર્યું હતું. 1 જાન્યુઆરી 2024ના રોજ સવારે 9 વાગ્યે ઈસરો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. XPoSAT સેટેલાઇટને વર્ષના પહેલા જ દિવસે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઇટ અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે અને તેમના સ્ત્રોતોની તસવીરો લેશે. તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રમન સંશોધન સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. આ સેટેલાઇટ બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. જેમ કે, પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લીયાઈ, નોન-થર્મલ સુપરનોવા. આ સેટેલાઇટને 650 કિલોમીટરની ઉંચાઈ પર તૈનાત કરવામાં આવશે.


આ મિશન ISRO દ્વારા વર્ષ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશનનો ખર્ચ 9.50 કરોડ રૂપિયા છે. લોન્ચ થયાના લગભગ 22 મિનિટમાં જ એક્સપોઝેટ સેટેલાઇટ તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં તૈનાત થઈ જશે, આ સેટેલાઇટમાં બે પેલોડ છે. 1. POLIX, 2. XSPECT. પોલિક્સ આ સેટેલાઇટનો મુખ્ય પેલોડ છે. તે રમન સંશોધન સંસ્થા અને યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. આ 126 કિલોનું સાધન અવકાશમાં રહેલા સ્ત્રોતોના ચુંબકીય ક્ષેત્ર, રેડિયેશન, ઈલેક્ટ્રોન વગેરેનો અભ્યાસ કરશે. તે 8-30 keV રેન્જના એનર્જી બેન્ડનો અભ્યાસ કરશે. પોલિક્સ અવકાશમાં મોજૂદ 50 સૌથી તેજસ્વી પદાર્થોમાંથી 40નો અભ્યાસ કરશે. XSPECT એટલે એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી એંડ ટાઈમિંગ, તે 0.8-15 keV રેન્જના એનર્જી બેન્ડનો અભ્યાસ કરશે. એટલે કે, તે પોલિક્સની શ્રેણી કરતાં નીચા ઉર્જા બેન્ડ જેવા કે, પલ્સર, બ્લેક હોલ બાઈનરી, લો-મેગ્નેટિક ફિલ્ડ ન્યુટ્રોન સ્ટાર્સ, મેગ્નેટર્સ વગેરેનો અભ્યાસ કરશે.

PSLV રોકેટની આ 60મી ઉડાન હશે

XPoSAT સેટેલાઇટનું કુલ વજન 469 કિગ્રા છે. જેમાં પ્રત્યેક 144 કિગ્રાના બે પેલોડ છે. તેને પીએસએલવી રોકેટ દ્વારા શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડથી લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધીમાં પીએસએલવી રોકેટની 59 ઉડાન થઈ ચૂકી છે. તેમાંથી માત્ર બે લોન્ચ જ નિષ્ફળ ગયા છે. પીએસએલવીની આ 60મી ઉડાન છે. જ્યારે પીએસએલવી-ડીએલની આ ચોથી ઉડાન છે. આ રોકેટનું વજન 320 ટન છે. તેની ઊંચાઈ 44.4 મીટર છે. આ 4 તબક્કાનું 2.8 મીટર વ્યાસનું રોકેટ છે. તેની પ્રથમ ઉડાન 20 સપ્ટેમ્બર 1993ના રોજ થઈ હતી. ત્યારપછી તેણે અનેક દેશી અને વિદેશી સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે.