રાજસ્થાન: BJP નેતાની જીભ લપસી, પાર્ટીએ કરવી પડી સ્પષ્ટતા

જયપુર- રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે. એક તરફ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ જાતીય અને ધાર્મિક ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છે.રાજ્યની સત્તાધારી પાર્ટી BJPના પ્રધાન ધનસિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનના બધા હિંદુઓએ એક થઈને ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઈએ. તેમણે કહ્યું કે, જોબધા મુસ્લિમો કોંગ્રેસ સાથે જોડાઈને મત આપી શકતા હોય તો બધા હિન્દૂઓએ એક થઈને BJPને મત આપવો જોઈએ અને ભાજપને જીતાડવી જોઈએ.

સત્તાધારી પાર્ટી ભાજપના પ્રધાન ધનસિંહના નિવેદન અંગે વિવાદ થયા બાદ પક્ષ બચાવમાં આવ્યો છે અને તેના પર સ્પષ્ટતા આપી છે. રાજ્યના અન્ય એક પ્રધાન ગુલાબચંદ કટારિયાએ જણાવ્યું હતું કે, મતદારોનો કોઈ ધર્મ નથી હોતો. તે માત્ર એવા વ્યક્તિને મત આપે છે, જે દેશના વિકાસ માટે કામ કરે છે. અમારી પાર્ટીએ ક્યારેય ધર્મના આધારે મત માગ્યા નથી.

આપણે જણાવી દઈએ કે, રાજસ્થાનમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના તમામ મોટા નેતાઓ રાજ્યના મતદારોને પોતાના તરફ આકર્ષવા પ્રયાસ કરી રહ્યાં છે. રેલી, જન સંપર્ક અને સભાઓ દ્વારા વધુમાં વધુ મતદાતાઓ સુધી પહોંચવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.