શ્રીલંકામાં રાજકીય કટોકટીઃ પેટ્રોલિયમ પ્રધાન અર્જુન રણતુંગાની ધરપકડ

કોલંબો – શ્રીલંકાના પેટ્રોલિયમ ખાતાના પ્રધાન અને ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અર્જુન રણતુંગાના અંગરક્ષકોએ રવિવારે એક ટોળાથી રણતુંગાને બચાવવા માટે કરેલા ગોળીબારમાં એક વ્યક્તિના મરણ બાદ આજે પોલીસે રણતુંગાની ધરપકડ કરી હતી. જોકે, ધરપકડ બાદ એમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા.

મૃત માણસ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેનાને વફાદાર જૂથનો સભ્ય હતો. ગોળીબારની ઘટના સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશનની ઈમારતમાં બની હતી. રણતુંગાને ભારે સુરક્ષા બંદોબસ્ત હેઠળ સીપીસીની ઓફિસમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા.

રણતુંગા 1996માં ક્રિકેટ વર્લ્ડ સ્પર્ધા જીતનાર શ્રીલંકાની ટીમના કેપ્ટન હતા. પદભ્રષ્ટ કરાયેલા વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેના રણતુંગા સહયોગી છે.

પોલીસે આજે કહ્યું કે રવિવારે બનેલી ઘટનામાં રણતુંગાએ જ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો એવો એમની વિરુદ્ધ કામદાર સંઘોએ મૂકેલા આરોપને પગલે એમની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રમુખ સિરીસેનાએ વડા પ્રધાન વિક્રમસિંઘેને પદભ્રષ્ટ કરતાં શ્રીલંકામાં રાજકીય અને બંધારણીય કટોકટી સર્જાઈ છે.

પેટ્રોલિયમ ક્ષેત્રના કામદારોના સંઘોની ફરિયાદને પગલે આજે રણતુંગાની ધરપકડ કરવામાં આવી હતી. રવિવારના ગોળીબારના બનાવના વિરોધમાં આજે કામદાર સંઘો હડતાળ પર ઉતરી જતાં પેટ્રોલ પમ્પ્સ ખાતે મોટી લાઈન જોવા મળી હતી.

રણતુંગાના અંગરક્ષકોમાંના એક, જે પોલીસકર્મી છે એણે ગોળીબાર કર્યો હતો. ત્રણ જણને ગોળી વાગી હતી, એમાંના 34 વર્ષના એક શખ્સનું રવિવારે રાતે મૃત્યુ નિપજ્યું હતું. તે અંગરક્ષકની ધરપકડ કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]