ઓવૈસીનો કેન્દ્ર સરકારને પડકાર, જો દમ હોય તો…

નવી દિલ્હી- અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદને લઈને સુપ્રીમ કોર્ટમાં વધુ એકવાર સુનાવણી ટળી છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી ત્રણ મહિના બાદ એટલે કે જાન્યુઆરી 2019માં હાથ ધરાશે. ત્યારે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રની મોદી સરકારને અયોધ્યા મુદ્દે વટહુકમ લાવવા માટે પડકાર ફેંક્યો છે.ઓવૈસીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગિરીરાજ સિંહને અર્ટોર્ની જનરલ બનાવી દેવા જોઈએ. જેથી તેઓ CJI સામે કહી શકે કે, હિન્દૂઓની ધીરજ ખૂટી છે. વટહુકમ લાવવાના નામે ક્યાં સુધી ભાજપ સરકાર ડરાવતી રહેશે. જો 56 ઈંચની છાતી હોય તો સરકાર વટહુકમ લાવીને બતાવે.

અસદુદ્દીન ઓવૈસીએ એવું પણ જણાવ્યું કે, ચીફ જસ્ટીસની બેંચે જણાવી દીધું છે કે, જાન્યુઆરીમાં આગામી સુનાવણી હાથ ધરાશે ત્યારે કોઈ પણ પ્રકારનો સવાલ ઊભો થવો જોઈએ નહીં.

આપને જણાવી દઇએ કે, અયોધ્યામાં રામમંદિર નિર્માણ પર ચાલી રહેલી ચર્ચા અને વિવાદ વચ્ચે આજથી સુપ્રીમ કોર્ટની નવી બેંચ દ્વારા રામમંદિર-બાબરી મસ્જિદ કેસની સુનાવણી જાન્યુઆરી-2019 સુધી સ્થગિત કરવામાં આવી છે.