છત્તીસગઢ, મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે આજે છે મતદાનનો દિવસ

રાયપુર/ઐઝવાલ: છત્તીસગઢ રાજ્યમાં 90-સભ્યોની વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 20 બેઠકો માટે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. એવી જ રીતે, ઈશાન ભારતના મિઝોરમ રાજ્યમાં તમામ 40-બેઠકોની વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં આજે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. બંને રાજ્યમાં સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં 10 બેઠક પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરાયું હતું, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે જ્યારે બાકીના મતવિસ્તારોમાં 8 વાગ્યાથી શરૂ કરાયું હતું જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે.

(તસવીર સૌજન્યઃ @ECISVEEP)

છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. બીજા તબક્કા માટેનું મતદાન 17 નવેમ્બરે કરાશે. બંને રાજ્યમાં મતગણતરી અને પરિણામ માટે 3 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી ચે.

મિઝોરમઃ આંતરરાષ્ટ્રીય સરહદોને સીલ કરી દેવાઈ છે

40 બેઠકોવાળી મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ મતદાન શરૂ થયું છે. મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. રાજ્યમાં 8 લાખ 57 હજારથી વધારે મતદારો છે. આમાં 4 લાખ 3 હજાર મહિલાઓ છે. ચૂંટણીજંગમાં 174 ઉમેદવારોએ ઝૂકાવ્યું છે. આમાં 27 અપક્ષ ઉમેદવારો છે.

ચૂંટણીમાં શાસક મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ), મુખ્ય વિરોધપક્ષ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ) અને કોંગ્રેસે તમામ બેઠકો પર પોતપોતાનાં ઉમેદવારો ઊભાં રાખ્યા છે. ભારતીય જનતા પાર્ટી 23 મતવિસ્તારોમાં ચૂંટણી લડે છે જ્યારે આમ આદમી પાર્ટીએ ચાર બેઠકો પર ઉમેદવારો ઊભાં રાખ્યા છે.

રાજ્યમાં 1,276 મતદાન મથકો ઊભાં કરાયા છે. આમાં 149 મથકો અંતરિયાળ વિસ્તારોમાં આવેલા છે. 30 મથક આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદો પર આવેલા છે. આ વિસ્તારોને સંવેદનશીલ જાહેર કરાયા છે. મતદાન પ્રક્રિયા મુક્ત, શાંતિપૂર્ણ અને સરળતાપૂર્વક પાર પડી જાય એ માટે સમગ્ર રાજ્યમાં 7,200 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

ચૂંટણીને ધ્યાનમાં લઈને પડોશના બે દેશ – મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે મિઝોરમની સરહદોને સીલ કરી દેવામાં આવી છે. મ્યાનમાર સાથે મિઝોરમની 510 કિ.મી. લાંબી આંતરરાષ્ટ્રીય છે જ્યારે બાંગ્લાદેશ સાથે 318 કિ.મી. લાંબી સરહદ છે.