લાંબા સમયની બીમારીઓ, જીવનશૈલીનાં રોગોને મટાડવામાં આયુર્વેદ સફળ થશેઃ ઉપરાષ્ટ્રપતિ નાયડુ

કોટ્ટક્કલ (આંધ્ર પ્રદેશ) – કોટ્ટક્કલ આર્ય વૈદ્યશાળાના સ્થાપક વૈદ્યરત્નમ પી.એસ. વારિયરની 150મી જન્મતિથિ માટે અત્રે ગઈ 24 સપ્ટેંબરે આયોજિત ઉજવણી કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આધુનિક તબીબી પદ્ધતિની સાથે ઔષધોની પરંપરાગત પદ્ધતિના સુમેળની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે આમ થવાથી બીમારીઓની સારવારમાં અસરકારકતા વધશે.

નાયડુએ કહ્યું હતું કે આયુર્વેદમાં સંપૂર્ણ લાભ આપવાનો જે ગુણ રહ્યો છે એને કારણે તે લાંબા સમયથી ચાલતી બીમારીઓ અને જીવનશૈલીને કારણે થતા રોગોને મટાડવામાં પણ સફળ થશે. આજે ભારતમાં ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે આ રોગોની માત્ર સારવાર કરવાને બદલે એને કેમ રોકવી અને સંપૂર્ણ તંદુરસ્તી કેમ પ્રાપ્ત કરવી એની પર ધ્યાન કેન્દ્રિત કરવાની તાકીદની જરૂર છે. વિશ્વની સુસ્વાસ્થ્ય રાજધાની બનવાની ભારતમાં ક્ષમતા છે. આપણો દેશ દવાઓ અને સ્વાસ્થ્ય પદ્ધતિઓની સદીઓ જૂની પરંપરાગત પદ્ધતિઓની ભૂમિ છે.

આયુર્વેદિક દવાઓ અને વેલનેસ સોલ્યૂશન્સ, તેની સાથે યોગવિદ્યા તેમજ અમુક પ્રકારની શારીરિક કસરતો દ્વારા આવા રોગોને અટકાવી શકાય છે અને નિયંત્રણમાં રાખી શકાય છે, એમ પણ નાયડુએ કહ્યું હતું. એમણે આર્ય વૈદ્યશાળાના સ્થાપક વૈદ્યરત્નમ પી.એસ. વારિયરને એવા દીર્ઘદ્રષ્ટિવાળા ગણાવ્યા હતા જેમણે આયુર્વેદનો પુનરોદ્ધાર કરાવ્યો હતો. એમણે આધુનિક તબીબી જ્ઞાનની પદ્ધતિઓનો આયુર્વેદના પરંપરાગત વિજ્ઞાન સાથે સુમેળ કરાવ્યો હતો. આયુર્વેદની મૂળગત જરૂરિયાતો સાથે બાંધછોડ કર્યા વિના તેમણે આમ કર્યું હતું. આ એમની મોટી સિદ્ધિ હતી.

કાર્યક્રમમાં આંધ્ર પ્રદેશના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન, આર્ય વૈદ્યશાળાના મેનેજિંગ ટ્રસ્ટી પી.કે. વારિયર, આર્ય વૈદ્યશાળાના વડા ફિઝિશન પી.એમ. વારિયર તથા અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.