પ્રજાસત્તાક-દિને થયેલી હિંસાના આરોપી દીપ સિદ્ધુની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા સંબંધે નોંધાયેલા એફઆઇઆરમાં પંજાબી એક્ટર અને સિંગર દીપ સિદ્ધુની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા દીપ સિદ્ધુની ધરપકડ કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિને લાલ કિલ્લાની હિંસાની ઘટના સંદર્ભે અભિનેતા દીપ સિદ્ધુ સહિત ત્રણ અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અગાઉ તેના પર રૂ. એક લાખનું ઇનામ જાહેર કર્યું હતું.

દીપ સિદ્ધુનું નામ ટ્રેક્ટર રેલીમાં હિંસાને ભડકાવવાની ઘટના બની હતી, એમાં સામેલ હતું. દિલ્હી પોલીસ લાલ કિલ્લાની હિંસા મામલે કેટલાક મહત્ત્વના ખુલાસા કરે એવી શક્યતા છે.છેલ્લા કેટલાક દિવસોમાં દીપ સિદ્ધુએ એક વિડિયો જાહેર કરીને ખુદને નિર્દોષ ગણાવ્યો હતો. સિદ્ધુ એ દિવસથી ભાગેડુ હતો. ત્યારથી તે તેના ફેસબુક એકાઉન્ટમાંથી સતત એવા વિડિયો મૂકી રહ્યો હતો, જેમાં એ ખેડૂત નેતાઓ અને આંદોલનની વાત કરી રહ્યા હતા. તેનું ફેસબુક એકાઉન્ટ તેની મહિલા મિત્ર હેન્ડલ કરી રહી હતી.  તે વિદેશથી દીપના વિડિયો ફેસબુક પર અપલોડ કરી રહી હતી, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. એક્ટરે દાવો કર્યો હતો કે જો તે મોં ખોલશે તો કેટલાય વ્યક્તિઓનો અસલી ચહેરો સામે આવી જશે.

પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલી દરમ્યાન પ્રદર્શનકારોની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 300થી વધુ પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. લાલ કિલ્લામાં પણ વધુ તોડફોડ થઈ હતી. જોકે ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે લાલ કિલ્લામાં જે દેખાવકારો ગયા હતા, તે ખેડૂતો નહોતા અને એની તપાસ થવી જોઈએ કે હિંસા કોણે ભડકાવી છે.