નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ સોનિયા ગાંધીએ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં લખેલા એક લેખમાં એવો આક્ષેપ કર્યો છે કે નફરત, કટ્ટરતા, અસહિષ્ણુતા, જુઠાણાએ દેશને ભરડો લીધો છે. જો આને હમણાં જ રોકી દેવામાં નહીં આવે તો સમાજને સુધારી નહીં શકાય એટલી હદે નુકસાન પહોંચાડશે.
લેખમાં સોનિયા ગાંધીએ લોકોને અનુરોધ કર્યો છે કે તેઓ આ બધું ચાલતું રહેવા ન દે અને નફરતની આ ભભૂકી રહેલી આગ અને સુનામીને રોકે, નહીં તો ભૂતકાળની પેઢીઓએ પીડા વેઠીને જે સર્જન કર્યું છે એને તે ધ્વસ્ત કરી દેશે. ‘આપણે આને ચાલતું રહેવા દઈ ન શકીએ અને એને ચલાવવા દેવું પણ ન જોઈએ. બોગસ રાષ્ટ્રવાદના નામે શાંતિ અને બહુવાદનો બલિ ચઢાવાય એને આપણે જોતા રહી ન શકીએ. ચાલો, આપણે આ ભભૂકતી આગ તથા નફરતની ફેલાવવામાં આવેલી સુનામીને કાબૂમાં લઈએ.’