બંગાળ વિધાનસભામાં એન્ટિ-રેપ બિલ રજૂ કરાયું

કોલકાતાઃ RG કર હોસ્પિટલની ટ્રેની ડોક્ટરના રેપ-હત્યા કેસમાં બબાલ જારી છે. બંગાળ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં રેપવિરોધી બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે. આ બિલ હેઠળ આરોપીઓને મોતની સજા આપવામાં આવશે. આ બિલમાં બળાત્કારના દોષીઓને 10 દિવસની અંદર ફાંસીની સજા આપવાની જોગવાઈ છે.એનું નામ અપરાજિતા વીમેન એન્ડ ચાઇલ્ડ (પશ્ચિમ બંગાળ અપરાધિક કાનૂન અને સંશોધન) બિલ 2024 છે. આ બિલનો ઉદ્દેશ પીડિતોને ન્યાય અને દુષ્કર્મના દોષીઓને ત્વરિત સજા આપવાનો છે.

બંગાળમાં રજૂ થયેલા એન્ટિ રેપ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે પ્રારંભિક તપાસ રિપોર્ટ 21 દિવસોની અંદર રજૂ કરવાનો રહેશે.

જિલ્લા સ્તરે ટાસ્ક ફોર્સની રચના કરવા અને નક્કી સમય મર્યાદામાં સુનાવણી પૂરી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં મુખ્ય વિપક્ષ ભાજપ આ બિલને ટેકો આપશે. આ બિલ વિધાનસભામાં પસાર થયા પછી રાજ્યપાલને મોકલવામાં આવશે. ભાજપનું કહેવું છે કે તેમની પાર્ટી બળાત્કારની વિરુદ્ધ પશ્ચિમ બંગાળની સરકારના બિલનું સમર્થન કરશે.

CBIની તપાસ

CBI ફરી એક વાર આરજી કરીને મેડિકલ કોલેજ પહોંચી હતી. ક્રાઇમ સીનની મુલાકાત લેવાની સાથે હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના કેસોની પણ તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં, એજન્સીએ ઘણા લોકોની પૂછપરછ કરી છે. CBI લેડી ડોક્ટર કેસમાં હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પણ સતત પૂછપરછ કરી રહી છે. જોકે CBI હજુ સુધી કોઈ પરિણામ પર પહોંચી શકી નથી. બીજી બાજુ, ભાજપ અને TMC વચ્ચે શાબ્દિક વાકયુદ્ધ ચાલી રહ્યું છે.