નવી દિલ્હીઃ એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે કર્મચારીઓ માટેના ‘Pay to Quit’ કાર્યક્રમ વિશે શેરહોલ્ડર્સને માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમને તેમણે 2014માં શરૂ કર્યો હતો. એ કાર્યક્રમ મુજબ કંપનીના કર્મચારી જો કંપની છોડવા ઇચ્છે તો તેમને કંપની પૈસા આપશે.
શેરહોલ્ડર્સને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે તેમની કંપની ‘Pay to Quit’ પ્રોગ્રામ ચલાવી રહી છે. જે મુજબ વર્ષમાં કંપની કર્મચારીઓને એ વિકલ્પ આપે છે કે એ 5000 ડોલર એટલે કે આશરે રૂ. ચાર લાખ સુધી કંપનીમાંથી લઈને કર્મચારી રાજીનામું આપી શકે છે.
તેમણે લેટરમાં જણાવ્યું હતું કે કંપની કર્મચારીએને નોકરી છોડવા માટે વર્ષમાં એક વાર 2000 ડોલરથી માંડીને 5000 ડોલર સુધીની ઓફર કરે છે, પણ કર્મચારીને એ પણ કહે છે કે તમે આ ઓફરનો સ્વીકાર ના કરો. એક અહેવાલ મુજબ પહેલા વર્ષમાં આ ઓફર 2000 ડોલરની હોય છે અને ત્યાર બાદ પ્રતિ વર્ષ એમાં 1000 ડોલર સુધીનો વધારો થતો રહે છે. આવામાં એ ઓફર વધીને 5000 ડોલર સુધી જઈ શકે છે.તેમણે જણાવ્યું હતું કે આ ઓફર દ્વારા કંપનીને કર્મચારીઓ શું વિચારે છે, એ વિશે માલૂમ પડે છે અને એ ભવિષ્યમાં કંપનીની સાથે કેટલા જોડાયેલા રહેશે. કંપનીને અપેક્ષા રહે છે કે કર્મચારી આ ઓફરનો સ્વીકાર ના કરે અને તેમની સાથે જોડાયેલા રહે.