નવી દિલ્હીઃ પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. પંજાબના આ પીઢ ભૂતપૂર્વ કોંગ્રેસી નેતા એમની નવી રચેલી પંજાબ લોક કોંગ્રેસ (પીએલસી) પાર્ટી સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. એમણે આ પાર્ટી ગયા વર્ષે કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ રચી હતી.
અમરિન્દર સિંહ આજે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્રસિંહ તોમરની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા. બાદમાં એમણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સાથે તસવીર પણ પડાવી હતી. એમણે કહ્યું કે, અમે કોંગ્રેસને જોઈ છે, હવે એવી પાર્ટીમાં જોડાવાનો સમય આવ્યો છે જે દેશ માટે કેટલું બધું સારું કરી રહી છે.