NCWનો ચંડીગઢ યુનિને વિડિયો લીક મામલે FIR નોંધવવાના નિર્દેશ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા પંચે (NCWએ) વાંધાજનક વિડિયો લીક થવાની ઘટનાને પગલે પંજાબના મોહાલી સ્થિત એક ખાનગી યુનિવર્સિટીની કેટલીક વિદ્યાર્થિનીઓ દ્વારા આત્મહત્યાના પ્રયાસ કર્યાના મામલે FIR નોંધવા માટે વિર્દેશ આપ્યા હતા. પંચે કહ્યું હતું કે એણે વિવિધ મિડિયા અહેવાલ અને ટ્વિટર પોસ્ટ જોયા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચંડીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી યુવતીઓનો વિડિયો લીક થયો છે અને એનામાં કેટલીક આત્મહત્યા કરવાના પ્રયાસ કર્યા છે.

આ યુનિવર્સિટીની અનેક વિદ્યાર્થિનીઓનો વાંધાજનક વિડિયા બનાવવાની અફવાને મુદ્દે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા. વિદ્યાર્થીઓનો દાવો છે કે વહીવટી તંત્ર આત્મહત્યાના પ્રયાસનો મામલો ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યું છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને લુધિયાના-ચંડીગઢ રોડ પર સ્થિત ચંડીગઢ યુનિવર્સિટીના મામલે તપાસના આદેશ આપ્યા છે.

બીજી બાજુ યુનિવર્સિટી વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓની સાથે થયેલા દુર્વ્યવહાર મુદ્દે ગર્લ્સ હોસ્ટેલ વોર્ડન રાજવિન્દર કૌરને સસ્પેન્ડ કરી દીધી હતી. આ ઉપરાંત વિડિયો લીક મામલે  કાર્યવાહીની માગ કરતા વિદ્યાર્થીઓના વિરોધ પછી યુનિવર્સિટીને શનિવાર સુધી બંધ કરવામાં આવી છે. આ મામલે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભારે વિરોધ પછી આરોપી યુવતી અને તેના પ્રેમી- જે શિમલાનિવાસી સની મહેતાની ધરપકડ કરવામાં આવી છે. 23 વર્ષીય મહેતા એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરે છે. આ સિવાય એક અન્ય વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જે બેકરીમાં કામ કરે છે. જોકે હાલ તેની ભૂમિકા વિશે વધુ માહિતી નથી મળી.