શ્રીનગરમાં કથિત મહિલા સુસાઈડ બોમ્બરની ધરપકડ

શ્રીનગર – સુરક્ષા દળોએ હાંસલ કરેલી એક મોટી સફળતામાં, એમણે ગુરુવારે રાતે દક્ષિણ કશ્મીરમાંથી એક મહિલાની ધરપકડ કરી છે જે આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલી આત્મઘાતી બોમ્બર હોવાનું મનાય છે.

જમ્મુ અને કશ્મીર પોલીસે આપેલી જાણકારી મુજબ, આ મહિલા 18 વર્ષની છે, એનું નામ સાદિયા અનવર શેખ છે અને તે પુણેની રહેવાસી છે.

એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મુનીર ખાને કહ્યું છે કે ગુપ્તચર સૂત્રો તરફથી વિશ્વસનીય જાણકારી મળ્યા બાદ એ યુવતીની ગુરુવારે રાતે ધરપકડ કરવામાં આવી હતી.

ખાને જોકે વધારે વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો. એમણે કહ્યું કે, અમે એ સ્ત્રીની પૂછપરછ કરી રહ્યાં છીએ તથા તે જે સંગઠનો સાથે સંકળાયેલી છે એમના લોકોની પણ પૂછપરછ કરીશું. યોગ્ય તપાસ કર્યા બાદ જ અમે કોઈક નિષ્કર્ષ પર આવી શકીશું.

મુનીર ખાન કશ્મીર રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પણ છે.

કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ અને કશ્મીરની પોલીસને સાવધ કરી હતી કે પુણેની સાદિયા અનવર શેખ નામની એક મહિલા કશ્મીર ખીણપ્રદેશમાં રહેવા આવી છે અને તે ISIS સંગઠનવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં રહેતી હોય છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં કશ્મીર ખીણવિસ્તારમાં એક હાઈ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું હતું અને એક એવો સંદેશો ફેરવવામાં આવ્યો હતો કે એવી પાકી બાતમી મળી છે કે 18 વર્ષની એક બિન-કશ્મીરી મહિલા કદાચ કશ્મીરમાં પ્રજાસત્તાક દિન પરેડની નજીક જઈને અથવા અંદર ઘૂસી જઈને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરે એવી સંભાવના છે.

2015માં, સાદિયાની પુણે એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડના અધિકારીઓ પૂછપરછ કરી ચૂક્યા હતા. ત્યારે એમને એવી બાતમી મળી હતી કે સાદિયા આઈએસ સંગઠનના લોકો સાથે સંપર્કમાં છે. તે સિરીયા જવાની તૈયારીમાં હતી, એવો ત્યારે પુણે એટીએસ દ્વારા દાવો કરાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]