વિપક્ષી નેતાઓએ મુંબઈમાં કાઢી ‘બંધારણ બચાવો કૂચ’; પવાર, હાર્દિક પટેલની હાજરી

મુંબઈ – નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકારની વિરુદ્ધમાં વિરોધ પક્ષોના અનેક નેતાઓ આજે અહીં એકત્ર થયા હતા અને મૂક મોરચો કાઢ્યો હતો. શરદ પવાર (એનસીપી), શરદ યાદવ, ડી. રાજા, હાર્દિક પટેલ, ઉમર અબ્દુલ્લા, દિનેશ ત્રિવેદી (તૃણમુલ કોંગ્રેસ) અને સુશીલકુમાર શિંદે (કોંગ્રેસ) જેવા નેતાઓ આજે બપોરે દક્ષિણ મુંબઈમાં આવેલા સચિવાલયની બહાર બી.આર. આંબેડકરની પ્રતિમા પાસે ભેગાં થયાં હતાં અને પછી શાંત કૂચ દ્વારા ગેટવે ઓફ ઈન્ડિયા તરફ રવાના થયાં હતાં.

આ કૂચને વિપક્ષી નેતાઓએ ‘બંધારણ બચાવો કૂચ’ નામ આપ્યું હતું.

આ કૂચના સંયોજક હતા મહારાષ્ટ્રના અપક્ષ સંસદસભ્ય રાજુ શેટ્ટી.

આ કૂચના આરંભ પૂર્વે બધા નેતાઓ દક્ષિણ મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા.

એ બેઠકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ પટેલ તથા ભૂતપૂર્વ સંસદસભ્ય રામ જેઠમલાની પણ હાજર હતા.

જમ્મુ-કશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે દેશનું બંધારણ ખતરામાં આવી ગયું છે અને તેથી બંધારણને બચાવવા માટે આ કૂચ કાઢવામાં આવી હતી.

કૂચમાં ઉમર અબ્દુલ્લાની સાથે શરદ પવારના પુત્રી અને એનસીપીનાં નેતા સુપ્રિયા સુળે પણ હાજર હતાં.

દેખીતી રીતે, આ બંધારણ બચાવો કૂચને 2019ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ-વિરોધી પક્ષોના એકત્રિકરણના એક પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

મૂક મોરચો ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે પહોંચ્યો હતો અને ત્યાં વિપક્ષી નેતાઓ શિવાજી મહારાજની પ્રતિમા નીચે થોડોક સમય સુધી ધરણા સ્વરૂપે બેઠાં હતાં, પરંતુ કોઈએ ભાષણ કર્યું નહોતું.