મહારાષ્ટ્રમાં સામાન્ય વપરાશની ચીજોની દુકાનોમાં તમાકુ વેચવા પર પ્રતિબંધ

મુંબઈ – મહારાષ્ટ્રમાં હવેથી કરિયાણું વેચતી તેમજ એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગૂડ્સ) સામાન્ય વપરાશની ચીજવસ્તુઓ વેચતી દુકાનોમાં સિગારેટ અને તમાકુ નહીં મળે. રાજ્ય સરકારે આવી દુકાનોમાં તમાકુ વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

સરકારનું માનવું છે કે એફએમસીજી ઉત્પાદનો વેચતી દુકાનોમાં તમાકુ વેચવાથી બાળકો પર અવળી અસર પડે છે, તેથી એણે આ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે આવી દુકાનોમાં સિગારેટ અને તમાકુ વેચવા પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન ગઈ 9 જાન્યુઆરીએ જ બહાર પાડ્યું હતું. તે હવે આજથી લાગુ કરવામાં આવ્યું છે.

યુવા વ્યક્તિઓ તમાકુ ઉત્પાદનોના વ્યસની ન બને એ માટે સરકારે આ નિર્ણય લીધો છે, એવું મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનાં કમિશનર પલ્લવી દરાડેએ જણાવ્યું છે.

વાસ્તવમાં, કેન્દ્ર સરકારે જ તમામ રાજ્ય સરકારનો આદેશ આપ્યો છે કે ચોકલેટ, ચિપ્સ તથા અન્ય ખાદ્યચીજો સહિતની એફએમસીજી ચીજવસ્તુઓ વેચતી દુકાનોમાં સિગારેટ અને તમાકુના વેચાણ પરના પ્રતિબંધનો તેઓ અમલ કરે.

જે દુકાનો એફએમસીજી અને તમાકુ ઉત્પાદનો બંને વેચતી પકડાશે એમની પર કાનૂની પગલું લેવામાં આવશે. જેમાં તેઓનું લાઈસન્સ રદ કરવામાં આવશે, દુકાનના માલિકને છ મહિનાની જેલની સજા થશે અને દંડ પણ ચૂકવવો પડશે.

એફડીએ તંત્રએ સુગંધી સોપારી પરનો પ્રતિબંધ વધુ છ મહિના સુધી, એટલે કે 2018ના જુલાઈ સુધી લંબાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]