ભારતે ASEAN મુખ્ય અતિથિઓ સમક્ષ પોતાની લશ્કરી તાકાત, ભવ્ય સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કર્યું

નવી દિલ્હી – ભારત દેશ આજે પોતાનો 69મો પ્રજાસત્તાક દિવસ ઊજવી રહ્યો છે. દેશભરમાં પ્રજાસત્તાક દિન ઉજવણીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજધાની નવી દિલ્હીમાં રાજપથ ખાતે વાર્ષિક પરંપરાગત પ્રજાસત્તાક દિન પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતની પરેડ જોવા માટે ભારતે પોતે જેનું એક સભ્ય છે તે, ASEAN સમૂહના 10 દેશોનાં વડાઓને મુખ્ય અતિથિઓ તરીકે આમંત્રિત કર્યાં છે.

ભારતે આ મુખ્ય અતિથિઓ સમક્ષ પોતાની લશ્કરી તાકાત, ભવ્ય સાંસ્કૃતિક વારસો તેમજ વિવિધ સામાજિક પગલાંયોજનાઓને તાદ્રશ કરી છે. આ પરેડમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ – ભૂમિ દળ, હવાઈ દળ અને નૌકા દળનાં જવાનોએ કૂચ આદરી હતી જ્યારે દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિને રંગબેરંગી, સજાવેલા ટેબ્લો દ્વારા દર્શાવવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પરેડની વિધિનો આરંભ કરાવ્યો હતો.

ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સેનાની ત્રણેય પાંખે આપેલી સલામી ઝીલી હતી.

એ પહેલાં, કોવિંદે કોર્પોરલ જ્યોતિપ્રકાશ નિરાલાના વિધવા પત્ની તથા માતાને ભારતનો સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર ‘અશોક ચક્ર’ એનાયત કર્યો હતો. આ પુરસ્કાર ભારતીય હવાઈ દળના 31 વર્ષીય કમાન્ડો નિરાલાને મરણોત્તર આપવામાં આવ્યો છે જેઓ ગયા વર્ષે જમ્મુ અને કશ્મીરમાં ત્રાસવાદ-વિરોધી કાર્યવાહી વખતે શહીદ થયા હતા. તે કાર્યવાહીમાં ભારતીય જવાનોએ છ ત્રાસવાદીઓને ખતમ કર્યા હતા.

પ્રજાસત્તાક દિન પરેડની આગેવાની લેફ્ટેનન્ટ જનરલ આસિત મિસ્ત્રીએ લીધી હતી, જેઓ જનરલ ઓફિસર કમાન્ડિંગ, દિલ્હી એરિયા હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવે છે. પરેડના સેકન્ડ-ઈન-કમાન્ડ હતા મેજર જનરલ રાજપાલ પુનિયા.

કૂચનો આરંભ ઈન્ડિયન આર્મી બેન્ડે કર્યો હતો જેના જવાનો ASEAN સમૂહના ધ્વજ તેમજ 10 ASEAN સભ્ય દેશોના ધ્વજ સાથે પરેડમાં ઉતર્યા હતા.

ભારતે વાર્ષિક પરેડમાં મુખ્ય અતિથિઓ તરીકે 10 દેશોના વડાઓને આમંત્રિત કર્યા હોય એવો આ પહેલો જ પ્રસંગ છે.

પરેડમાં ભારતીય લશ્કરની T-90 ટેન્ક (ભિષ્મ), બોલવે મશીન પિકેટ, બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ, વેપન લોકેટિંગ રડાર (સ્વાતિ), બ્રિજ બનાવવામાં મદદરૂપ થતી ટેન્ક T-72, મોબાઈલ બેઝ ટ્રાન્સરિસીવર સ્ટેશન તથા આકાશ વેપન સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]