પટનાઃ RJDના વડા લાલુ પ્રસાદ યાદવનાં પુત્રી અને પાટલીપુત્રની લોકસભા સીટથી ઉમેદવાર મિસા ભારતીએ કહ્યું હતું કે જો લોકોએ ઇન્ડિયા એલાયન્સને તક આપી તો વડા પ્રધાન મોદીથી માંડીને ભાજપના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવશે.
વડા પ્રધાન મોદી ઇન્ડિયા એલાયન્સ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લાગવા સંબંધી સવાલનો જવાબ આપતાં મિસા ભારતીએ કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન છે, એ 30 લાખ રોજગારી આપી રહ્યું છે, એમાં પણ તેમને તુષ્ટિકરણ નજર આવી રહ્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે અમે ખેડૂતોની આવક બે ગણી કરવાની વાત કરી રહ્યા છીએ. MSP લાગ કરવાની વાત કરી રહ્યા છે. શું એ બધું તુષ્ટિકરણ છે? તેમણે કહ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ પર કોણ જવાબ આપશે?
RJD સુપ્રીમોની પુત્રીએ વધુમાં કહ્યું હતું કે વડા પ્રધાન જ્યારે પણ આવે છે, તેઓ અમારા પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે. મિસાએ કહ્યું હતું કે જો દેશની જનતાએ ઇન્ડિયા એલાયન્સને તક આપી તો વડા પ્રધાનથી માંડીને જેટલા પણ ભાજપના નેતા છે એ બધા જેલની અંદર હશે.આ પહેલાં મિસા ભારતીએ કહ્યું હતું કે અમે હિન્દુ છીએ, સનાતની છીએ. સમય કાઢીને પૂજા કરવા જઈશું. અયોધ્યાનું રામ મંદિર કોઈ મોદીજી કે ભાજપનું થોડી છે. બિહારમાં 40 સીટો પર સાત તબક્કામાં મતદાન થશે.