નવી દિલ્હીઃ નવી જ લોન્ચ કરવામાં આવેલી એરલાઈન અકાસા એર કટોકટીમાં સપડાઈ ગઈ છે. એના 43 પાઈલટોએ રાજીનામું આપી દીધું છે. આ જાણકારી અને કબૂલાત એરલાઈને પોતે જ દિલ્હી હાઈકોર્ટમાં કરી છે. પાઈલટોએ એમના ફરજિયાત નોટિસ પીરિયડનું પાલન કર્યા વગર અચાનક રાજીનામું આપી દીધું છે. એને કારણે એરલાઈનને દરરોજ તેની અસંખ્ય ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી રહી છે. પરિણામે એરલાઈનનું કામકાજ સ્થગિત થઈ ગયું છે.
અકાસા એરના એક એક્ઝિક્યૂટિવનો આરોપ છે કે પાઈલટો એમના કોન્ટ્રાક્ટની શરતોનું ઉલ્લંઘન કરીને હરીફ જૂથોમાં જોડાઈ ગયા છે. એમનું આ પગલું અનૈતિક છે. જો પાઈલટો દ્વારા આ રીતે રાજીનામા આપવાનું ચાલુ રહેશે તો એને આ મહિને પણ 600-700 ફ્લાઈટ્સ રદ કરવી પડશે. ગયા મહિને તેણે 700 ફ્લાઈટ્સ રદ કરી હતી. એરલાઈને હાઈકોર્ટને વિનંતી કરી છે કે તે દેશની એવિએશન રેગ્યૂલેટર સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને આદેશ આપે કે તે ફરજિયાત નોટિસ પીરિયડ નિયમોનો અમલ કરે. આ ઉપરાંત અકાસા એરે એવી માગણી પણ કરી છે કે ફ્લાઈટ્સ રદ કરવાથી એને જે આર્થિક નુકસાન ગયું છે એની સામે રાજીનામું આપનાર પાઈલટો પાસેથી વળતર પેટે રૂ. 22 કરોડની ચૂકવણી કરાય એવો કોર્ટ એમને આદેશ આપે. આ માત્ર કોન્ટ્રાક્ટનો જ નહીં, પરંતુ દેશના એવિએશન નિયમોનો પણ ભંગ છે. એમનું પગલું ગેરકાયદેસર છે એટલું જ નહીં, પરંતુ અનૈતિક અને સ્વાર્થી છે.