પુણેઃ હાલમાં મહારાષ્ટ્રના પુણેમાં NCP પ્રમુખ શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર વચ્ચે ગુપ્ત મિટિંગથી રાજકીય ગરમાવો આવ્યો છે. એક બિઝનેસમેનના નિવાસસ્થાને થયેલી આ બેઠકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયંત પાટિલ પણ હાજર હતા. આ બેઠકને પગલે તમામ અટકળો લગાવવામાં આવી રહી છે.
ભત્રીજા અજિત પવારે શરદ પવારને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવવાની રજૂઆત કરી હોવાની આશંકા છે. કોંગ્રેસની મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલેએ મંગળવારે કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શરદ પવાર અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી અજિત પવારની સિક્રેટ મુલાકાત તેમની પાર્ટી માટે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના દરેક પક્ષના નેતા સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. જે ભાજપનો વિરોધ કરવા માટે તૈયાર છે.
નામ ના છાપવાની શરતે એક ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે ભત્રીજા કાકાને કેન્દ્રીય મંત્રીમંડળમાં કૃષિ મંત્રી અથવા નીતિ પંચના અધ્યક્ષ તરીકે સામેલ કરવાની ઓફર કરી હતી, જ્યારે સુપ્રિયા સુળે અને જયંત પાટિલને કેન્દ્ર કે રાજ્ય સરકારમાં પદ આપવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ શરદ પવારે આ ઓફરને ફગાવતાં ભાજપ સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
જોકે આ મુદ્દે શિવસેના (UBT)ના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે અજિત પવાર એટલા મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઓફર આપી શકે. અજિત પવારને પવાર સાહેબ બનાવ્યા છે, અજિત પવારે શરદ પવારને નથી બનાવ્યા. તેમનું કદ બહુ ઊંચું છે.