એર ઈન્ડિયાને ખરીદવા અઢળક બોલીઓ લગાવાઈ છે

નવી દિલ્હીઃ આર્થિક દેવામાં ડૂબી ગયેલી એરલાઈન એર ઈન્ડિયાને ખરીદવા માટે શરૂ કરાયેલી હરાજીની પ્રક્રિયામાં અસંખ્ય નાણાકીય બિડ્સ મળ્યા હોવાનું કેન્દ્ર સરકારે આજે જણાવ્યું છે. ટાટા સન્સ કંપનીએ પણ એ માટે બોલી લગાવી છે.

ટ્રાન્ઝેક્શન એડવાઈઝરને એર ઈન્ડિયા ડિસઈન્વેસ્ટમેન્ટ માટે અસંખ્ય નાણાકીય બિડ મળ્યા છે. પ્રક્રિયા હવે સમાપન તબક્કા તરફ આગળ વધી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર એર ઈન્ડિયામાં તેનો પૂરેપૂરો હિસ્સો વેચી રહી છે. આમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ લિમિટેડ કંપનીમાં એર ઈન્ડિયાના 100 ટકા હિસ્સા અને એર ઈન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રા.લિ. કંપનીમાંના 50 ટકા હિસ્સાનો પણ સમાવેશ થાય છે. એર ઈન્ડિયા પર હાલ અંદાજે રૂ. 43,000 કરોડનું દેવું ચડી ગયું છે. વેચાણના સોદાઓમાં મુંબઈમાં નરીમાન પોઈન્ટ સ્થિત એર ઈન્ડિયા બિલ્ડિંગ અને દિલ્હીમાં એરલાઈન્સ હાઉસનો પણ હિસ્સા તરીકે સમાવેશ થાય છે. એર ઈન્ડિયા હાલ ઘરેલુ વિમાનમથકો ખાતેથી 4,400 ઘરેલુ અને 1,800 આંતરરાષ્ટ્રીય લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ ઉપરાંત વિદેશોમાં 900 સ્લોટ ધરાવે છે.

ટાટા ગ્રુપ 67 વર્ષે ઘર-વાપસી કરી રહ્યું છે. તેણે 1932માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી, જેને 1946માં એર ઈન્ડિયા નામ આપવામાં આવ્યું હતું. 1953માં, ભારત સરકારે એરલાઈનનું નિયંત્રણ પોતાને હસ્તક લીધું હતું, પરંતુ જમશેદજી ટાટા 1977 સુધી એર ઈન્ડિયાના ચેરમેન પદે રહ્યા હતા.