લખનઉઃ નવી વિધાનસભાની ચૂંટણીની તારીખો ઘોષિત થઈ ગઈ છે ત્યારે ઉત્તર પ્રદેશમાં શાસક ભારતીય જનતા પાર્ટીને આજે મોટો ફટકો પડ્યો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકારના એક પ્રધાન – સ્વામી પ્રસાદ મૌર્ય તથા પાર્ટીના ચાર વિધાનસભ્યો આજે ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે – 10, 14, 20, 23, 27 ફેબ્રુઆરી, 3 અને 7 માર્ચ. પરિણામ 10 માર્ચે જાહેર કરાશે. એ જ દિવસે પંજાબ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી અને પરિણામ જાહેર કરાશે.
સ્વામી પ્રસાદ મૌર્યએ એમનું રાજીનામું ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું. બાદમાં એ સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવને મળ્યા હતા અને સ.પા.માં જોડાઈ ગયા હતા. ત્યારબાદ ભાજપના ચાર વિધાનસભ્યો – બ્રજેશ પ્રજાપતિ, રોશનલાલ વર્મા, ભગવવતિ સાગર અને વિનય શાક્યએ પણ રાજીનામાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે, ‘ઉત્તર પ્રદેશમાં 13 વિધાનસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાવાના છે. હું ટૂંક સમયમાં જ અખિલેશ યાદવને મળવાનો છું. ઉત્તર પ્રદેશની જનતાને રાજ્યમાં પરિવર્તનની જરૂર છે.’