ટામેટાં પછી ડુંગળી સામાન્ય જનતાને ‘આંસુ’ લાવશે

નવી દિલ્હીઃ દેશમાં અનિયમિત ચોમાસાએ સૌથી વધુ અસર શાકભાજીના પાક પર પડી છે. ટામેટાં સહિત તમામ શાકભાજીની કિંમતો આકાશને આંબી રહી છે. છેલ્લા બે મહિનામાં ટામેટાંની વધેલી કિંમતોએ લોકોનો સ્વાદ બગાડી દીધો છે અને હવે ડુંગળી આંખોમાંથી ‘આંસુ’ લાવશે.

છેલ્લા એક મહિનાથી ટામેટાંની કિંમતોએ સામાન્ય જનતાનું બજેટ બગાડી દીધું છે. જેથી અનેક લોકોએ થાળીમાંથી ટામેટાં ગયબ કરી દીધાં છે. જોકે હાલ ટામેટાંની કિંમતો બજારમાં કિલોદીઠ રૂ. 200 પર સ્થિર છે, પરંતું ડુંગળીની કિંમતો બજારમાં અચાનક પ્રતિ કિલો રૂ. 30થી વધીને રૂ. 80એ પહોંચી ગઈ છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે 15 ઓગસ્ટ સુધી ડુંગળીની કિંમતો પ્રતિ કિલો રૂ. 100ને પાર થવાની વકી છે. આ સિવાય બજારમાં લીલાં મરચાં, કોથમીર સહિત અન્ય શાકભાજીની કિંમતોમાં પણ વધારો થયો છે. હાલ બજારમાં શાકભાજી ખરીદવી સામાન્ય જનતાની બહાર થઈ રહી છે. શાકભાજીની કિંમતોએ આમ આદમીની કમર ભાંગી કાઢી છે. મધ્યમ વર્ગના લોકોની થાળીથી ટામેટાં, મરચાં, કોથમીર અને હવે ડુંગળી ગાયબ થતી જઈ છે.

ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સની સાઇટ મુજબ દિલ્હી સહિત UPનાં અનેક શહેરોમાં ડુંગળીની કિંમતો આકાશને આંબી રહી છે. બજારમાં ડુંગળી હાલ પ્રતિ કિલો રૂ. 80થી રૂ. 90એ પહોંચી છે. જોકે રાહતની વાત એ છે કે ડુંગળીનો સરકાર પાસે આશરે 2.50 લાખ ટન રિઝર્વ છે. આવામાં ડુંગળીની કિંમતો પર કાબૂમાં લેવા માટે સરકાર એને બજારમાં ઠાલવે એવી શક્યતા છે.