નવી દિલ્હીઃ માનવ સંસાધન વિકાસ મંત્રાલયના શાળાકીય શિક્ષણ વિભાગના સેક્રેટરી અનિતા કરવાલે નવી શિક્ષણ પદ્ધતિને લઈને કેટલીક વિગતો આપી છે. અનિતા કરવાલે જણાવ્યું કે, હવે જ્યારે શાળાઓ ખૂલશે ત્યારે વર્ગોમાં અપાતી શિક્ષણ પદ્ધતિમાં બદલાવ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી જે ડિજિટલ શૈક્ષણિક પદ્ધતિ જે અત્યાર સુધી પાછળ ઠેલાતી આવી છે તે પદ્ધતિ હવે પ્રભાવમાં આવશે.
કોરોના મહામારી તેમજ તેના લીધે થયેલા લૉકડાઉનનો પ્રભાવ દેશના 24 કરોડ જેટલા બાળકો પર થઈ રહ્યો છે. શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ બંનેએ લૉકડાઉન ખૂલ્યા બાદ શૈક્ષણિક પદ્ધતિમાં બદલાવોને અપનાવવાના રહેશે.’ એવું ગુજરાત કેડરના સનદી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું હતું.
અશોકા યુનિવર્સિટી દ્વારા ‘ફ્યુચર ઑફ સ્કૂલ્સ: ઓવરકમિંગ ધ કૉવિડ-19 ચૅલેન્જ એન્ડ બિયૉન્ડ’ વિષય પર ગોઠવવામાં આવેલી વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં અનિતા કરવાલે જણાવ્યું કે, ‘જ્યારે પણ શાળાઓ ખૂલશે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ અન્ય ઘણી બાબતોની સાવધાનીઓ રાખવાની રહેશે અને આ બાબતથી અમે સજાગ છીએ.’
‘અત્યાર સુધી વર્ગોમાં જે રીતે શિક્ષણ અપાઈ રહ્યું હતું, તેમાં ધરખમ ફેરફારો થશે. આ ફેરફારો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ અપનાવવા પડશે, જેના માટે ઘણો સમય જશે. થોડા દિવસોમાં બધું સરખું થઈ જાય તે શક્ય નથી. કારણ કે, અમુક વિદ્યાર્થી થોડા દિવસમાં સેટ થઈ જશે, તો અમુક વિદ્યાર્થીઓને વધુ સમય લાગશે. અમે લોકો આ સંદર્ભમાં પણ કામ કરી રહ્યાં છીએ.’
માર્ચ 2020માં લૉકડાઉન જાહેર થયું તે વખતે અનિતા કારવાલ ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન’ (CBSE)ના ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળી રહ્યા હતા. તે સમયે તેમણે કહ્યું હતું કે, ‘અમારી પ્રાથમિકતા બાળકોની માનસિકતાને કોઇ ખરાબ અસર ના થાય તે જોવાની છે. તેથી બાળકોને ઓફલાઈન અથવા ઓનલાઈન દ્વારા પણ શિક્ષણ મળતું રહેવું જોઈએ.’
‘જ્યારે અમે ઈ-લર્નિંગ શરૂ કર્યું, ત્યારે અમે એ વાતનો ખાસ ખ્યાલ રાખ્યો હતો કે, તે બધે ઉપલબ્ધ થઈ રહે. ટેકનોલોજી જો એક સમાન માત્રામાં ઉપલબ્ધ ના થઈ શકતી હોય તો બાળકોને અસરકારક ભણતર અમે કઈ રીતે પૂરું પાડીશું?’
‘ડિજિટલ શિક્ષણની ગુણવત્તા એ એની બીજી અગત્યની બાજુ છે. જેને કૉવિડ-19 રોગચાળાના પગપેસારા પહેલાં જ શરૂ કર્યા વિના પાછી ઠેલવી દીધી હતી. અમને ધ્યાનમાં આવ્યું છે કે, ડિજિટલ શિક્ષણ ઉચ્ચ ગુણવત્તાવાળું હોવું જોઈએ. એવું ઉચ્ચ શિક્ષણ જે લોકો સાથે સંલગ્ન થવામાં, સક્ષમ વાતચીત કરવાની કળામાં કુશળતા આપે.’
શાળાઓ ફરીથી ખોલવા મામલે નિવેદન આપતા અનિતા કારવાલે જણાવ્યું કે, અમે ભણવાની પદ્ધતિ ફરીથી ગોઠવી રહ્યા છીએ. આમાં મૂલતઃ શિક્ષકોની ભૂમિકા, શિક્ષણ પદ્ધતિ વિશે, તેમજ બાળકોને ફરીથી શાળામાં બોલાવવામાં આવે ત્યારે સ્કૂલમાં દાખલ થતી વખતે અને બહાર નીકળતી વખતે કઈ કાળજી લેવી વગેરે બાબતો પર અમારું કામ ચાલી રહ્યું છે.’
‘આ બાબતમાં સૌથી પહેલું કામ અમે દરેક રાજ્યોને બાળકોના ઘરે એમના પાઠ્યપુસ્તકો પહોંચાડવાનું સૂચવ્યું. પરંતુ અમુક રાજ્યોએ અમને જણાવ્યું કે, લૉકડાઉનમાં પ્રિન્ટિંગ પ્રોસેસને મંજૂરી નથી તેમજ ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ નથી. તો અમે આ રાજ્યો તરફથી મધ્યસ્થી કરીને MHA પાસેથી મંજૂરી મેળવવાનું કામ કર્યું. હવે ઘણાં રાજ્યોમાં બાળકોને પાઠ્યપુસ્તકો ઘરે પહોંચાડવાનું કામ શરૂ થઈ ગયું છે.’
‘અમે એક એવું કૅલેન્ડર પણ તૈયાર કરી રહ્યાં છીએ, જેમાં કયા વિદ્યાર્થી પાસે ઓનલાઇન શિક્ષણ લેવા માટે સાધન સુવિધા ઉપલબ્ધ નથી તેની નોંધ રાખવામાં આવશે.’
કૉવિડ-19 રોગચાળો ના ફેલાય એની તકેદારી રૂપે કેન્દ્ર સરકારે દેશભરની શાળા તેમજ યુનિવર્સિટીઓને 16 માર્ચથી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 23 માર્ચથી દેશભરમાં લૉકડાઉન જાહેર થયું છે. જે હજી સુધી અમલમાં છે.