નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ગરમાવાની વચ્ચે સેમ પિત્રોડા પછી કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ભાંગરો વાટ્યો છે. તેમણે કહ્યું છે કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, કેમ કે એની પાસે પરમાણુ બોમ્બ છે. આ પહેલાં ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી અને તેની પાસે પણ પરમાણુ હથિયારો છે.
એક યુટ્યુબ ચેનલને ઇન્ટરવ્યુ આપતાં તેમણે પાકિસ્તાનની વકાલત કરતાં કહ્યું હતું કે હવે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ અને એને ઇજ્જત આપવી જોઈએ. જો એને ઇજ્જત નહીં આપીએ તો એ ભારત પર પરમાણુ બોમ્બથી હુમલો કરવા વિશે વિચાર કરી શકે છે. મસ્ક્યુલર નીતિ દેખાડનારા ભારતે એ ના ભૂલવું જોઈએ કે પાકિસ્તાનની પાસે કહુટા (રાવલપિંડી)માં પરમાણુ બોમ્બ છે. તેમનું આ નિવેદન સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે ભારતે એ વાત ક્યારેય ના ભૂલવી જોઈએ કે પાકિસ્તાનની પાસે પરમાણુ બોમ્બ છે. મોદી સરકારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હિંમત છે, પણ પાકિસ્તાન સાથે વાત કરવાની હિંમત નથી. સરકાર 10 વર્ષથી પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે નથી બેઠી.એવું કહેવામાં આવે છે કે ત્યાં આતંકવાદ છે. આતંકવાદને અટકાવવા માટે વાત કરવી જરૂરી છે, નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારી છે. અમે ભારત-પાકિસ્તાનના સંબંધોને મજબૂત કરવામાં ઘણી મહેનત કરી છે, પણ છેલ્લાં 10 વર્ષોમાં કોઈ વાતચીત નથી થઈ, એમ તેમણે કહ્યું હતું.
ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ ઐય્યરના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસનો પાકિસ્તાની પ્રેમ અટકવાનું નામ નથી લેતો. કોંગ્રેસ કહે છે, પાકિસ્તાનનું સન્માન થવું જોઈએ અને એનાથી વાતચીત થવી જોઈએ, પણ હવે પુલવામા જેવી ઘટનાઓ થાય તો એનો જડબાતોડ જવાબ આપવામાં આવે છે.
