નવી દિલ્હીઃ કરતારપુર કોરિડોરને આજે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યો છે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે 16 માર્ચે કરતારપુર કોરિડોર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે 20 મહિના પછી શીખોના સૌથી પવિત્ર સ્થાન સુધી પહોંચવાનો રસ્તો ખોલવામાં આવ્યો છે. આ પહેલાં મંગળવારે સાંજે ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કોરિડોરને ખોલવાના નિર્ણયની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે કરતારપુર સાહિબ કરોડો દેશવાસીઓની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને એ કોરિડોરનું ફરીથી સંચાલન શરૂ કરવાનો નિર્ણય શીખ સમાજ પ્રત્યે મોદી સરકારની સંવેદનશીલતાને દર્શાવે છે.
કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાના નિર્ણય પછી શીખ સમાજમાં ઉત્સાહનો માહોલ છે. આ કોરિડોર ખોલતાં શીખ વગર વિસાએ ગુરુદ્વારમાં દર્શન કરી શકશે. પંજાબના મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્નીએ કરતારપુર કોરિડોર ફરીથી ખોલવાના કેન્દ્રના નિર્ણયનું મંગળવારે સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે રાજ્ય પ્રધાનમંડળ ના સભ્યો એ જત્થાનો હિસ્સો હશે, જે 18 નવેમ્બરે પાકિસ્તાનનો ઐતિહાસિક સ્થળની મુલાકાત લેશે.
પાકિસ્તાન સ્થિત કરતારપુર કોરિડોરના ગુરુદ્વારા દરબાર સાહિબને દેશના ગુરદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનકને જોડે છે.ગુરુદ્વારા દરબાર સાહિબમાં શીખ પંથના સંસ્થાપક ગુરુ નાનક દેવે પ્રાણ ત્યાગ્યા હતા. ગુરુ નાનકની જયંતી ગુરુ પર્વ આ વર્ષે 19 નવેમ્બરે ઊજવવામાં આવશે.
પંજાબના મુખ્ય પ્રધાન ચન્નીએ કહ્યું હતું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને કરતારપુર કોરિડોરનાં દ્વાર ખોલવાની વિનંતી કરી હતી અને હવે હું તેમનો આભાર માનું છું.