નવી દિલ્હીઃ અમેરિકાસ્થિત ઈન્વેસ્ટમેન્ટ સંશોધન કંપની હિન્ડેનબર્ગે ભારતના અગ્રગણ્ય વ્યાપાર ગ્રુપ અદાણી ગ્રુપની બિઝનેસ પ્રવૃત્તિઓ વિરુદ્ધ અહેવાલ બહાર પાડ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. અદાણી ગ્રુપ કટોકટીમાં સપડાઈ ગયું છે. સંસદના હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં વિરોધપક્ષોએ આ મામલે કેન્દ્ર સરકારને ઝપટમાં લેવાની તક ઝડપી લીધી છે. પરંતુ, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં કહ્યું કે સરકારને આ મામલામાં કોઈ લેવાદેવા નથી. જોશીએ કહ્યુ કે વિપક્ષ આ મુદ્દો એટલા માટે ઉછાળે છે કે એની પાસે ઉછાળવા જેવો બીજો કોઈ મુદ્દો નથી.
અદાણી વિવાદ વિશે ચર્ચા કરવી જોઈએ એ માટે સભામોકૂફી પ્રસ્તાવની નોટિસ કોંગ્રેસના સંસદસભ્ય મણીકમ ટાગોરે લોકસભામાં આપી હતી. અદાણી વિવાદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે નારાબાજી અને શોરબકોર વધી જતાં લોકસભા અને રાજ્યસભા, બંને ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. લોકસભાની કાર્યવાહી 6 ફેબ્રુઆરી, સવારે 11 વાગ્યા સુધી મુલતવી રાખી દેવામાં આવી છે.