નવી દિલ્હીઃ દિલ્હી NCRમાં મોન્સુનના પહેલા વરસાદે લોકોની હાલત બગાડી દીધી હતી. મુશળધાર વરસાદને કારણે દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના બની છે. વરસાદને કારણે ટર્મિનલ-1ની છત તૂટી ગઈ છે. આ દુર્ઘટનામાં એક કાર છતની નીચે દબાઈ ગઈ છે. આ ઘટનામાં એકનું મોત થયું છે અને છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે ફાયરબ્રિગ્રેડની કેટલીય ગાડીઓ પહોંચી છે.
ફાયરબ્રિગ્રેડ ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારના ભારે વરસાદની વચ્ચે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-એકની છતનો એક ભાગ ટેક્સીઓ સહિત કારો પર પડવાથી છ લોકો ઘાયલ થાય છે.
આ ક્ષતિગ્રસ્ત વાહનોમાં કોઈ વધુ લોકો ના ફસાયા હોય, એ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છતની શીટ સિવાય સપોર્ટ બીમ પણ પડ્યો હતો, જેનાથી ટર્મિનલના પિક-અપ અને ડ્રોપ ક્ષેત્રમાં ઊભેલી કારોને નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ કહ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત સવારે 5.30 વાગ્યે થયો હતો. દુર્ઘટનાની માહિતી મળતા જ દિલ્હી ફાયર સર્વિસની ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. છતનો ભાગ અને તેના સપોર્ટિંગ બીમ તૂટી પડ્યા, જેને કારણે ટર્મિનલના પિક-અપ અને ડ્રોપ એરિયામાં પાર્ક કરેલી કારને નુકસાન થયું. છત સીધી ત્યાં પાર્ક કરેલી કાર પર પડી, જેના કારણે ઘણું નુકસાન થયું હતું. કારની અંદરથી એક વ્યક્તિને બહાર કાઢવામાં આવી છે, જેના પર લોખંડનો બીમ પડ્યો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બાકીના લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
દિલ્હીમાં વરસાદને કારણે રસ્તા પર ઝાડ પડવાને કારણે લાંબો ટ્રાફિક જેમ થયો હતો. સૌથી વધુ મુશ્કેલી ઓફિસ જતા લોકોને ઉઠાવવી પડી હતી. વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.