આશરે 17,000 ભારતીયો યુક્રેન છોડી ચૂક્યા છેઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા એડવાઇઝરી જારી કર્યા પછી આશરે 17,000 ભારતીય નાગરિકો યુદ્ધગ્રસ્ત યુક્રેનની સરહદ છોડી ચૂક્યા છે, એમ વિદેશ મંત્રાલયે કહ્યું હતું. કિવમાં દૂતાવાસને ભારતીય નાગરિકો દ્વારા સરહદ પર કરવાની સુવિધા માટે લવિવમાં એક અસ્થાયી ઓફિસ સ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યું છે, એમ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું.

અમે ત્યાં ફસાયેલા નાગરિકોને કાઢવામાં મદદ માટે પૂર્વ યુક્રેન પહોંચવાનો વિકલ્પ શોધી રહ્યા છીએ. અહીં યુદ્ધને કારણે સ્થિતિ સરળ નથી, કેમ કે રસ્તો પૂરો ખૂલ્યો નથી. તેમણે કહ્યું હતું કે ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરીને ભારતીય નાગરિકોને સ્થાનિક સમય છ કલાક સુધી ખાર્કિવ છોડવાનો આગ્રહ કર્યો હતો. અમે રશિયાના ઇનપુટને આધારે આ સલાહ જારી કરી હતી. અમે સમય નથી પસંદ કર્યો.

તેમણે કહ્યું હતું કે ભારતીય પાસપોર્ટ ગુમાવવાળાઓને ઇમર્જન્સી પ્રમાણપત્ર જારી કરવા માટે એક તંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનાથી અનેક ભારતીય વિદ્યાર્થીઓને મદદ મળશે. તેમણે પંજાબના બરનાલાના એક ભારતીય વિદ્યાર્થી ચંદન જિંદલના મોત પર ઘેરી સંવેદના વ્યક્ત કરી હતી. ચંદનનું યુક્રેનમાં પ્રાકૃતિક કારણોથી મોત થયું હતું.

બીજી બાજુ, રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતીય દૂતાવાસ સતત ભારતીય લોકોના સંપર્કમાં છે. યુક્રેનિયન ઓથોરિટીની મદદથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.