આજે સાંજે મોદીનું સંબોધન: તરેહ તરેહની અટકળો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરવાના છે. આ જાણકારી એમણે પોતે જ ટ્વિટરના માધ્યમથી આપી છે.

વડા પ્રધાનની આ જાહેરાતને પગલે જાતજાતની અટકળો થવા લાગી છે કે આજે તેઓ દેશવાસીઓને શું સંદેશ આપશે?

આ વર્ષે મોદીનું આ સાતમું રાષ્ટ્રીય સંબોધન હશે. કોરોના વાઈરસ મહાબીમારી ફેલાયાના કટોકટીકાળમાં આ પહેલાં મોદી છ વાર રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે.

સોશિયલ મિડિયા પર મોદીના આગામી ભાષણના મુદ્દે ઘણા લોકો જાતજાતના અનુમાન લગાવી રહ્યા છે. કેટલાક રસપ્રદ-રમૂજી મીમ્સ પણ મૂકી રહ્યા છે.

કેટલાક લોકોનું માનવું છે કે વડા પ્રધાન મોદી આજે કોરોનાની રસી વિશે દેશવાસીઓને કોઈક સંદેશ આપશે. અથવા તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે તો એમાં કોરોનાથી બચવા કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ એ વિશે લોકોને સલાહ-સૂચન કરશે, જાણકારી આપશે.