નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે જુદા જુદા 13 દેશોમાં ફસાઈ ગયેલા 14,800 જેટલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે આવતી 7થી13 મે વચ્ચે 64 ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે. આ તમામ ફ્લાઈટ ભારત પાછી ફર્યા બાદ અલગ-અલગ શહેરોમાં લેન્ડ કરાશે. આનું ભાડું યાત્રીઓ પાસેથી જ લેવામાં આવશે. આ દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલનો પૂર્ણ રીતે ખ્યાલ રાખવામાં આવશે. કેન્દ્રિય સિવિલ એવીએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અત્યાર સુધી બેથી ચાર લાખ ભારતીયો એવા છે જેઓ ભારત પાછા આવવા ઈચ્છે છે. પરંતુ પ્રથમ ચરણમાં માત્ર તેમને જ પાછા લાવવામાં આવશે કે જેઓ વિદેશમાં કોઈ કારણોથી પરેશાન છે અને ફસાયેલા છે. આમ છતાં આ તમામ કમર્શિયલ ફ્લાઈટ હશે.
તેમણે જણાવ્યું કે, યૂએઈથી દસ, કતારથી બે, સાઉદી અરેબિયાથી પાંચ, બ્રિટનથી સાત, સિંગાપોરથી પાંચ, અમેરિકાથી સાત, ફિલીપિન્સથી પાંચ, બાંગ્લાદેશથી સાત, બેહરીનથી બે, મલેશિયાથી સાત, કુવૈતથી પાંચ અને ઓમાનથી બે ભારતીયોને ભારત પર લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવનારા 64 વિમાનો પૈકી 9 જેટલા દેશોથી આવનારા 11 વિમાન તામિલનાડુમાં ઉતરશે.
આ પહેલા ગૃહમંત્રાલયે કહ્યું હતું કે, યાત્રીઓને વિમાનયાત્રાનો ખર્ચ પોતે જ ઉઠાવવો પડશે. મંત્રાલયે કહ્યું કે, વિમાનમાં સવાર થતા પહેલા યાત્રીઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે અને માત્ર એ જ લોકો યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે કે જે લોકોનામાં કોરોના વાયરસના લક્ષણ નહીં હોય. યાત્રા દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે.