ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 50,000 નજીક; 1,694 મૃત્યુને શરણ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 50,000ની નજીક પહોંચી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 1,694 જણનાં મોત છે અને સંક્રમિતો લોકોની સંખ્યા 49,391 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,958 નવા કેસ સામે આવ્યા છે અને 126 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બીમારીમાં અત્યાર સુધી 14,183 દર્દીઓ સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. દર્દીઓનો રિકવરી રેટ 28.72 ટકા થયો છે.

તેલંગાણામાં લોકડાઉન વધારાયું

કોરોના સંકટની વચ્ચે તેલંગાણા રાજ્યમાં લોકડાઉન 29 મે સુધી લંબાવવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે એની જાહેરાત કરી છે. લોકડાઉન વધારવાની સાથે નવા દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 36 લાખને પાર

કોરોના વાઇરસ અત્યાર સુધી 187 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 36,63,815 થઈ ગઈ છે અને 2,57,278 લોકોનાં મોત થયાં છે. જોકે 11,99,295 લોકો સારવારમાં સાજા થયા બાદ એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.