બીજા તબક્કામાં 61 ટકા મતદાનઃ ત્રિપુરામાં સૌથી વધુ, UPમાં સૌથી ઓછું

નવી દિલ્હીઃ દેશનાં 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 લોકસભા સીટો પર બીજા તબક્કાનું મતદાન 61 ટકા થયું હતું, જેમાંત્રિપુરામાં સૌથી વધુ 76.2 ટકા જેટલું મતદાન થયું છે. ત્યાર બાદ મણિપુરમાં 76.1 ટકા મતદાન થયું હતું. છત્તીસગઢમાં 72.1 ટકા મતદાન થયું હતું, જ્યારે પશ્ચિમ બંગાળમા અને આસામમાં 70 ટકા મતદાન થયું હતું, જ્યારે  બિહાર અને ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું મતદાન થયું છે.

બીજા તબક્કામાં 13 રાજ્યોના મતદારો 88 બેઠકો પર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. બીજા તબક્કામાં જે 88 બેઠકો પર મતદાન થઈ થયું તેમાંથી ભાજપ પાસે અડધાથી વધુ એટલે કે 52 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે 22 બેઠકો છે. એ દરમ્યાન 15.88 કરોડથી વધુ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, એમાંથી 8.08 કરોડ પુરુષ, 7.8 કરોડ મહિલાઓ અને 5929 ટ્રાન્સજેન્ડર મતદાતાઓ સામેલ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કાની ચૂંટણીમાં 1198 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1097 પુરુષ અને 100 મહિલા ઉમેદવારો છે. એક ઉમેદવાર થર્ડ જેન્ડર છે.

કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશની આઠ, મહારાષ્ટ્રની આઠ, મધ્ય પ્રદેશની છ, આસામની પાંચ, બિહારની પાંચ, છત્તીગઢની ત્રણ, પશ્ચિમ બંગાળની ત્રણ અને ત્રિપુરાની, મણિપુર અને જમ્મુ-કાશ્મીરની એક-એક સીટ સહિત 88 લોકસભા સીટો પર મતદાન થયું હતું.

બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં 72 ટકા, છત્તીસગઢમાં 72 ટકા મતદાન, જમ્મુ-કશ્મીરમાં 67 ટકા, યુપીમાં 53 ટકા, કર્ણાટકમાં 64 ટકા, મહારાષ્ટ્રમાં 53 ટકા, રાજસ્થાનમાં 59 ટકા, મધ્ય પ્રદેશમાં 55 ટકા, અને બિહારમાં 53 ટકા મતદાન થયું હતું.

લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ રહી છે. 19 એપ્રિલે યોજાયેલા પ્રથમ તબક્કામાં 102 સીટો પર વોટિંગ થયું હતું. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ થઇ રહ્યું છે. 4 જૂને લોકસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થશે.