છેલ્લાં 10 વર્ષોમાં અન્ય પક્ષોના 600 નેતાઓ ભાજપમાં સામેલ

નવી દિલ્હીઃ દેશમાં ચૂંટણીની સીઝન શરૂ થતાં જ રાજકીય પક્ષોમાં નેતાઓનો દળબદલનો ખેલ શરૂ થઈ જાય છે. છેલ્લા સાત દિવસમાં ચાર રાજ્યોના બે ડઝનથી વધુ નેતાઓએ વંડી ઠેકી છે. આ દળબદલવાળાઓમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રીથી માંડીને મેયરના સ્તરે નેતાઓ સામેલ છે. ભારતમાં પાટલીબદલુઓનો ખેલ 1960-70માં હરિયાણામાં શરૂ થયો હતો. ધીમે-ધીમે એ રાજકીય રોગ દેશઆખામાં ફેલાઈ ગયો છે. વર્ષ 2014 પછી નેતાઓના દળબદલના કેસોમાં ઘણી તેજી આવી છે.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ મુજબ સાંસદ અને વિધાનસભ્યોના સ્તરે 1000થી વધુ નેતાઓ 2014-21ના ગાળામાં દળબદલના ખેલમાં સામેલ થયા હતા. આ સાત વર્ષના ગાળામાં વિધાનસભ્યો-સાંસદના સ્તરે 399 નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. બીજા ક્રમે BSP રહી છે. BSP છોડનારા નેતાઓની સંખ્યા 170ની આસપાસ છે. જ્યારે આ સાત વર્ષોમાં 144 નેતાઓએ ભાજપ છોડીને અન્ય પાર્ટીઓમાં સામેલ થયા છે.

વર્ષ 2014 પછી ભારતમાં અત્યાર સુધી આઠ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓ પાલો બદલી ચૂક્યા છે, એમાં અશોક ચવ્હાણ, કેપ્ટન અમરિંદર સિંહ અને નારાયણ રાણેનાં મુખ્ય છે, જ્યારે 20થી વધુ કેન્દ્રીય મંત્રી પણ દળબદલના ખેલમાં સામેલ થયા છે.

વર્ષ 2014 પછી સૌથી વધુ નેતાઓ ભાજપમાં ગયા છે. 2014-21 સુધી વિધાનસભ્યો-સાંસદોના સ્તરે 426 નેતાઓએ ભાજપમાં ગયા છે, જ્યારે વર્ષ 2021થી 2023 સુધી વિધાનસભ્ય અને સાસંદના સ્તરે આશરે 200 નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. આ બે વર્ષોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ દળબદલનો ખેલ થયો છે. આ દરમ્યાન કોંગ્રેસમાં માત્ર 176 દળબદલુ નેતા સામેલ થયા છે.

દેશમાં પાંચ રાજ્યોમાં દળબદલુ નેતાઓને કારણે ભાજપની વોટબેન્કમાં વધારો થયો છે. 2014ની ચૂંટણીમાં આશરે 10 સીટો પર ભાજપે દળબદલુઓને ટિકિટ આપી છે.