નવી દિલ્હીઃ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દેશભરમાં બાળકોમાં પીઠ અને ગરદનમાં દુખાવાની ફરિયાદોમાં 50 ટકાનો વધારો નોંધાયો છે. બાળરોગ ઓર્થોપેડિક કેસોમાં આવેલા આ ઉછાળાનું કારણ છે, ઓનલાઈન શિક્ષણ વર્ગો દરમિયાન બાળકોની બેસવાની ખોટી મુદ્રા (પોશ્ચર), એવું ડોક્ટરોનું માનવું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાવાઈરસ ચેપી બીમારીને કારણે શાળાઓ બંધ રખાઈ હતી ત્યારે ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. એ વખતે ઘણા બાળકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ નહોતા. તેથી એમને કમ્પ્યુટર પીસી કે લેપટોપ કે ટેબ્લેટ કે મોબાઈલ ફોન સ્ક્રીન સામે વધારે વખત બેસવું પડ્યું હતું. એ વખતે બેસવાની ખોટી રીત (મુદ્રા-પોશ્ચર)ને કારણે એમને પીઠ અને ગરદનમાં દુખાવો લાગુ પડ્યો હોઈ શકે છે. વળી, કોરોના સંકટ દરમિયાન બાળકોની શારીરિક પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી. એમને ઘરમાં જ ગોંધાઈ રહેવું પડ્યું હતું. પૂરતા સૂર્યપ્રકાશથી પણ તેઓ વંચિત રહી ગયા હતા. એને કારણે ઘણા બાળકોનું વજન વધી ગયું હતું, એમની સ્ટેમિના ઘટી ગઈ હતી અને બીજાં અમુક શારીરિક વ્યાધિઓ પણ લાગુ પડી ગયા. દેશભરમાં બાળરોગ ઓર્થોપેડિક કેસો 50 ટકા વધી ગયા છે. જેમાં ગરદન અને પીઠ જકડાઈ જવા જેવી ફરિયાદોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આવી ફરિયાદો પુખ્ત વયનાં લોકો કરતાં હોય છે.
ડોક્ટરોનું કહેવું છે કે બાળકો પીઠમાં કે ગરદનમાં દુખાવો થવાની ફરિયાદ કરે તો એમના માતાપિતાએ એને જરાય હળવાશથી લેવું નહીં અને એમને તરત જ કોઈ ઓર્થોપેડિક ડોક્ટર પાસે લઈ જવા.