લખનૌઃ ઉત્તર પ્રદેશમાં લોકોમાં સરકારી નોકરીનો જબરદસ્ત ક્રેઝ છે, જ્યારે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં આ પ્રકારનો ક્રેઝ જોવા નથી મળતો. ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલનાં 60,244 પદો પર ભરતી માટે પરીક્ષા થઈ રહી છે. એટલી વેકેન્સી માટે 48.2 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આમ એક પદ માટે 80 ઉમેદવાર મેદાનમાં છે.
એક વધુ કોન્સ્ટેબલની ભરતી માટે આટલા વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ યોગી સરકારનો દાવો છે કે UPમાં બેરોજગારી દર દેશની તુલનામાં ઓછો છે. દેશમાં બેરોજગારી દર 3.2 ટકા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં એ દર 2.4 ટકા છે. છેલ્લાં પાંચ વર્ષોમાં UPમાં બેરોજગારી દર ઘટીને અડધો થઈ ગયો છે. 2018-19માં UPમાં બેરોજગારી દર 5.7 ટકી હતો, જે વર્ષ 2022-23માં ઘટીને 2.4 ટકા પર આવી ગયો છે, એમ પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS)નો રિપોર્ટ કહે છે.
2019માં યોગી સરકારે 69,000 શિક્ષકોની ભરતી માટે પરીક્ષા કરાવી હતી. આ પરીક્ષામાં 4.10 લાખ યુવાઓએ ફોર્મ ભર્યું હતું, એમાંથી 1.47 લાખ લોકો પાસ થયા હતા. આશરે છ ઉમેદવારોમાંથી એકને નોકરી મળી હતી. 2018માં ગ્રામ વિકાસ અધિકારીના 1918 પદો માટે આશરે 14 લાખ લોકોએ અરજી કરી હતી, જેમાં 728 ઉમેદવારોમાંથી એકને નોકરી મળી હતી.
યોગી સરકારનો દાવો છે કે છેલ્લાં સાડાસાત વર્ષમાં છ લાખથી વધુ લોકોને સરકારી નોકરી આપવામાં આવી હતી, પરંતુ ખાનગી અને MSME સેક્ટરમાં બે કરોડથી વધુ યુવાઓને રોજગારી મળી છે.