કાર્યવાહી ખોરવી: કોંગ્રેસનાં 4-સભ્યો લોકસભા-સત્રમાંથી સસ્પેન્ડ

નવી દિલ્હીઃ સ્પીકર ઓમ બિરલાએ ચેતવણી આપી હતી તે છતાં પ્લેકાર્ડ બતાવવાનું ચાલુ રાખી ગૃહની કાર્યવાહીને ખોરવી નાખવા બદલ કોંગ્રેસ પાર્ટીના ચાર સંસદસભ્યોને લોકસભાના વર્તમાન ચોમાસું સત્રના શેષ ભાગમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

આ ચાર કોંગ્રેસી સાંસદો છેઃ માનિકમ ટાગોર, ટી.એન. પ્રથમન, જોતિમણી અને રામ્યા હરિદાસ.

ગૃહની કાર્યવાહીમાં સતત ખલેલ પહોંચાડવા બદલ સ્પીકર બિરલાએ આ ચાર સભ્યોના નામ આપ્યા હતા અને બાદમાં કેન્દ્રીય સંસદીય પ્રધાન પ્રહલાદ જોશીએ આ ચારેય સભ્યોને સત્રના બાકીના હિસ્સા માટે સસ્પેન્ડ કરતો એક ઠરાવ રજૂ કર્યો હતો. ગૃહે મૌખિક મતદાન દ્વારા ઠરાવને પાસ કરી દીધો હતો.