ઓડિશા રેલવે દુર્ઘટનામાં 280 લોકોનાં મોત, 1000 લોકો ઘાયલ

નવી દિલ્હીઃ ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે એક રેલવે દુર્ઘટનામાં અત્યાર સુધી 280 લોકોનાં મોત થયાં છે, જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આ દુર્ઘટનામાં બચાવ અને રાહત કાર્ય જારી છે. રેલવેપ્રધાને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનાને કારણે કેટલીય ટ્રેનો રદ થઈ છે.  બાલોસોરમાં ત્રણ ટ્રેનોની ટકક્કરમાં 17 ડબ્બાઓ ખડી પડ્યા હતા. આ દુર્ઘટનાની ભયાનકતાનો અંદાજ એનાથી લગાવી શકાય છે કે બચાવ દળે ડબ્બાઓ કાપીને લોકોને કાઢવા પડ્યા હતા.

આ દુર્ઘટના વિશે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને બધા રાજ્યોના મુખ્ય પ્રધાનોએ દુઃખ અને સંવેદના વ્યક્ત કરી છે. વિદેશી રાષ્ટ્રપ્રમુખોએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાન મોદી આજે ઓડિશા જશે. તેઓ પહેલાં બાલાસોરમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે અને એ પછી તેઓ કટક સ્થિત હોસ્પિટલની મુલાકાત લેશે. ત્યાં તેઓ ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછશે.

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ ઓડિશા રેલવે દુર્ઘટનાના ઘટનાસ્થળે પહોંચીને તેમણે રેસ્ક્યુ ઓપરેશનની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટનામાં તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવામાં આવી છે, જે આ મામલાની તપાસ કરશે. સાઉધ ઇસ્ટર્ન ઝોન કમિશનર રેલવે સેફ્ટી (CRS) એ. એમ ચૌધરી આ મોટી દુર્ઘટનાની તપાસ કરશે. તેમણે વિપક્ષના રાજીનામાની માગ પર કહ્યું હતું કે આ દુર્ઘટનામાં પહેલાં રેસ્ક્યુ અને રાહત કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવવું જોઈએ.

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટમાં જ રૂ. 50,000 આપવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ બાલાસોર ટ્રેન દુર્ઘટના સંબંધે સ્થિતિની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, આ બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા.