‘રામ રાખે તેને કોણ ચાખે’ એમ અનુરાગને રામે જિવાડ્યો

’મારી જાતને ટ્રેકિંગનો માસ્ટર માનતો અને મિત્રો મારી ઓળખ માઉન્ટેનિયરિંગ આંત્રપ્રિનિયોર તરીકે આપતા, છતાં હું કયારે ૩૦૦ ફૂટ નીચે ખાબક્યો તેની આજે પણ ખબર નથી,’ મોતને છેટું છોડી તાજેતરમાં લગભગ દોઢ મહિને ભાનમાં આવેલા માઉન્ટેનિયર આંત્રપ્રિનિયોર  અનુરાગ બાલુએ નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ આશિષ માલુને આ વાત કહી હતી. સોશિયલ મિડિયા પર આશિષનો મદદની ટહેલ નાખતો પાંચ લીટીનો સંદેશ જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નજરે આવતાં તેમણે બે મિનિટમાં જ તેના રિપ્લાયમાં અનુરાગના એરલિફ્ટિંગની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. 

નવી દિલ્હીની IITનો 2010નો સ્નાતક રાજસ્થાનના કિશનગઢનો મધ્યમવર્ગી પરિવારનો ૩૪ વર્ષનો અનુરાગ બાલુ યુનાઇટેડ નેશન્સના પર્યાવરણ બચાવવાના GLOBAL GOALSના પ્રચાર માટે પર્વતારોહણને પગથાર બનાવી નીકળ્યો છે. તેણે દુનિયાના સૌથી વધુ ઊંચાઈએ આવેલા પર્વતોની ટોચે પહોંચીને તે સ્થળેથી પર્યાવરણને બચાવવા અને ગ્લોબલ ગોલ્સને સિદ્ધ કરવાની આકરી તપસ્યા પસંદ કરી છે.

   અનુરાગના પર્યાવરણ પ્રત્યેના અનુરાગે તેની ઓળખ ક્લાયમેટ એથ્લેટ તરીકે ઉપસાવી છે. તે માઉન્ટ અન્નપૂર્ણાની 8000 મીટરથી વધુની ૧૪ પિક્સ અને સાત ઉપખંડોના સૌથી ઊંચાઈએ આવેલા પોઇન્ટ ઉપર ચડવા માટેના મિશનના ૫૮૦૦ મીટરના અક્ષાંશેથી માઉન્ટ અન્નપૂર્ણાના કેમ્પ III ઉપરથી ગાત્રો થિજાવતી ઠંડીમાં લપસીને ૩૦૦ મીટર નીચે ઊંડી ખીણમાં ગરકાવ થયો હતો. ૧૭ એપ્રિલની આ કમનસીબ દુર્ઘટનાએ દેશ-વિદેશના પર્વતારોહકોમાં ચિંતા સાથે ખળભળાટ સર્જ્યો.

અતિ વિષમ હવામાન અને માઇનસમાં ઠંડીના આંકડાઓ વચ્ચે પર્વતારોહકોની રખેવાળી અને બચાવ રાહતની કામગીરીમાં માહેર વિશ્વના નામાંકિત છાંગ દાવાની આગેવાની હેઠળની છ સભ્યોની ટીમે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું. ૩૦૦ મીટર ઊંડી ખીણમાં આ ટીમ ખૂંદી વળી. આ કાર્યમાં જાણીતા પોલીસ માઉન્ટેનિયર આદમ બાયલેકી અને તેમના મિત્ર.મેરીઉસ્ઝ હતાલા પણ સામેલ થયા. સતત હિમપ્રપાતની વચ્ચે બેભાન અવસ્થામાં ત્રણ દિવસ ખીણમાં પડી રહેલા અનુરાગના શરીરના તમામ અગઉપાંગ જડ થઈ ગયાં હતાં,  પણ આપણી રૂઢિગત કહેવત ‘રામ રાખે તેને કોણ ચાખે’ એમ અનુરાગને રામે રાખ્યો. આજે જડ-ચેતનની આપાધાપીમાંથી અનુરાગ સચેતન થઈ પોતાની બન્ને આંખોથી ઋણભાવે ભાઈ આશિષને ઇશારાથી કહી રહ્યો છે, ‘ટાઇગર અભી જિંદા હે’

      હું શ્રદ્ધાથી માનું છું કે મારા ભાઈની જિદગી બચાવવા પરમતત્ત્વએ એક ફરિસ્તાને મોકલ્યો હતો. આશિષે Save Anuragને એક મિશન તરીકે હાથ ધરીને પોતાના જાનને બાજી ઉપર મૂકી અદમ્ય હિંમતથી ખીણ ખૂંદી વળી મારા  ભાઈને જીવતો બહાર કાઢનારા આદમ બાયલેકી, મેરીઉસ્ઝ હતાલા તેમ જ અનુરાગને સતત ચાર કલાક અથાક CPR આપનારા મણિપુરની હોસ્પિટલના ડો.અશિમ અને તેમની ટીમને કારણે જ તેનો ચમત્કારિક બચાવ થયો છે તેવા સ્વીકાર સાથે એક ટ્વીટ દ્વારા આશિષે અહોભાવ વ્યક્ત કર્યૌ છે અને અનુરાગનું સ્વાસ્થ્ય સુધરી રહ્યાની જાણકારી આપી છે.  REX કર્મવીર ચક્રના ઇલકાબથી નવાજવામાં આવલો આ નરબંકો અનુરાગ ભારતનો ૨૦૪૧ એન્ટાર્કિટર એમ્બેસેડર બન્યો છે. અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન પ્રીતિ અદાણી અને ગૌતમ અદાણીએ અનુરાગ માલુને સવેળા સાજા સરવા થઈને GLOBAL GOALSના મિશન માટે પર્વતોના પટમાં પગલાં પાડે તેવી શુભેચ્છા પાઠવી છે.