કોરોનાના 23,067 નવા કેસો, 336નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા એક કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 23,067 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 336 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,01,46,845 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,47,092 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 97,17,834 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 24,661 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,81,919એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.74 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.  

નવા પ્રકારનો કોરોના વાઇરસ પહેલાં કરતાં વધુ જીવલેણ

એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે બ્રિટનમાં ફેલાતો નવા પ્રકારનો કોરોના વાઇરસ પહેલાં કરતાં વધુ જીવલેણ છે અને વધુ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવા પડી શકે છે. આ નવા પ્રકારનો કોરોના વાઇરસ વધારે લોકોના ભોગ લઇ શકે છે. આ નવો સ્ટ્રેન પાછલા પ્રકારો કરતાં લગભગ 56 ટકા વધારે સંક્રમક છે. લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિન સેન્ટર ફોર મેથેમેટિકલ મોડેલિંગ ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝના અધ્યયનમાં આ વાત સામે આવી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.