યોગસુંદર દેસાઈને ઓનલાઇન સ્મરણાંજલિ અપાઈ

નવી દિલ્હીઃ ભારતીય શાસ્ત્રીય નૃત્યકલામાં કથકલી, ભરતનાટ્યમ અને મણિપુરી વગેરેમાં પારંગત થઈ ભારતીય નૃત્યકલા સાંસ્કૃતિક ભવ્યતાનો દેશ-વિદેશમાં પ્રસારિત કરનારા બહુમુખી પ્રતિભાસંપન્ન અંતર્મુખી ગરવા ગુજરાતી કલાકાર યોગસુંદરભાઈ દેસાઈની સ્મરણાંજલિ સભા રવિવારે ‘મારી ભાષા ગુજરાતી’ પર ઓનલાઇન યોજવામાં આવી હતી.

આ વર્ચ્યુઅલ મિટિંગના માધ્યમ તરીકે બહુ સક્રિય અને લોકપ્રિય રહેલી ‘મારી ભાષા ગુજરાતી’ના સંયોજક અને નાટ્યકાર તેમ જ સાહિત્ય-કળા સંવર્ધક ભાગ્યેન્દ્ર પટેલે આ સ્મૃતિસભાનું સંચાલન કર્યું હતું. સુપ્રસિદ્ધ ઓડિસી નૃત્યાંગના અને પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહે કહ્યું હતું કે ૨૭ નવેમ્બરે યોગસુંદર દેસાઈની ચિરવિદાયથી નૃત્યકળા વિશ્વમાં એક બહુ મોટી ખોટ પડી છે.

દૂરદર્શનનાં ભૂતપૂર્વ સમાચારવાચક સરલા માહેશ્વરીએ કહ્યું હતું કે યોગસુંદરભાઈ યોગમય સુંદર જીવન જીવી ગયા. દિલ્હી ગુજરાતી સમાજના પ્રમુખ કૌશિક પંડ્યાએ જણાવ્યું હતું કે વર્ષો અગાઉ દિલ્હીમાં રાસ-ગરબાની સાચી સમજણ આપીને એ પરંપરાને કેમ આગળ ધપાવવી એના માર્ગદર્શનમાં યોગસુંદર દેસાઈનો સિંહફાળો રહ્યો છે. દિલ્હી ગુજરાતી બ્રહ્મસમાજના પ્રમુખ તુષાર ઉપાધ્યાય અને ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રના પ્રમુખ વિરાટ શાહ- નવી દિલ્હી વગેરે મહાનુભાવોએ યોગસુંદર દેસાઈ સાથેનાં પોતાનાં સંસ્મરણો સાથે આંતરરાષ્ટ્રીય ફલક પર કલાક્ષેત્રે યોગસુંદરની સેવાઓને બિરદાવી હતી. આગામી વર્ષે યોગસુંદર દેસાઈ શતાબ્દી વર્ષની ઉજવણી કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

યોગસુંદર દેસાઈનાં પુત્રી અને જાણીતાં કલાકાર પપીહા દેસાઈએ પિતાશ્રીને ભવ્ય સ્મરણાંજલિ બદલ સૌનો આભાર માન્યો હતો. દેસાઈ પરિવારના અન્ય સદસ્યો તેમ જ કૌટુંબિક સ્નેહી-મિત્રોએ સદગતને શબ્દાંજલિ અર્પણ કરી હતી.