નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પરેડમાં 22 ટેબ્લોને રક્ષા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ટેબ્લો દેખાડવામાં આવશે જ્યારે 6 ટેબ્લો કેન્દ્રીય મંત્રાલયો સંબંધિત હશે. મંત્રાલયને કુલ 56 પ્રસ્તાવ મળ્યા હતા જેમાં 22 ને મંજૂરી આપવામાં આવી છે. રક્ષા મંત્રાલયે બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કેરળના પ્રસ્તાવોને ફગાવી દિધા છે.રક્ષા મંત્રાલયના આ નિર્ણય પર રાજનીતિ પણ શરુ થઈ ગઈ છે. કેરળના કાયદા મંત્રીએ આને લઈને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે આ નિર્ણય કેરળ પ્રત્યેના તેમના વ્યવહારને દર્શાવે છે. તો પશ્ચિમ બંગાળે કેન્દ્ર પર બદલાની ભાવનાથી ગ્રસ્ત હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે રક્ષા મંત્રાલયનું કહેવું છે કે દેશભરમાંથી આવેલી ટેબ્લોના પ્રસ્તાવોને એક સમિતિ પાસે મોકલવામાં આવે છે અને કોને મંજૂરી આપવી અને કોને નામંજૂર કરવા એ નક્કી કરવાનું કામ એ સમિતિ જ કરે છે.
આ ટેબ્લોમાં ઉત્તરાખંડ, ઝારખંડ, સહિત ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જગ્યા નથી આપવામાં આવી. પૂર્વોત્તર રાજ્યોમાંથી માત્ર અસમ અને મેઘાયલનો જ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી માત્ર કેરળને બહાર રાખવામાં આવ્યું છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, અને તેલંગાણાની ટેબ્લોને રિપબ્લિક ડે પરેડમાં શામિલ કરવામાં આવશે.