પટનાઃ અત્રેની સ્પેશિયલ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) કોર્ટે 2013માં પટના શહેરના ગાંધી મેદાન ખાતે નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી વખતે કરાયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસના ચાર અપરાધીને આજે ફાંસીની સજા સંભળાવી છે. આ કેસના અન્ય બે અપરાધીને કોર્ટે આજીવન જેલ, અન્ય બે અપરાધીને 10-10 વર્ષની જેલ તથા એક અપરાધીને 7-વર્ષની જેલની સજા ફટકારી છે. આમ, કુલ 9 અપરાધીની સજા કોર્ટે આજે સંભળાવી છે. કોર્ટે આ કેસમાં 10માંના એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યો છે.
2013ની 27 ઓક્ટોબરે તે વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન પદ માટે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ‘હુંકાર રેલી’ વખતે અનેક વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. એને કારણે નાસભાગ મચી ગઈ હતી. તે ઘટનાઓમાં છ જણ માર્યા ગયા હતા તથા બીજા અનેક ઘાયલ થયા હતા. તે વિસ્ફોટોની જવાબદારી કોઈ આતંકવાદી જૂથે લીધી નહોતી, પરંતુ એ કૃત્યમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન SIMI તથા એનું નવું સ્વરૂપ ધારણ કરનાર ઈન્ડિયન મુજાહિદ્દીન સંગઠનની સંડોવણી પર શંકા ગઈ હતી. સ્પેશિયલ એનઆઈએ જજ ગુરવિન્દર મેહરોત્રાએ ઈમ્તિયાઝ અન્સારી, મુજીબુલ્લાહ, હૈદર અલી, ફિરોઝ અસલમ, ઉમર અન્સારી, ઈફ્તેખાર, એહમદ હુસૈન, ઉમેર સિદ્દિકી, અઝહરુદ્દીને અપરાધી જાહેર કર્યા હતા. ફખરુદ્દીન નામના આરોપીને પુરાવાના અભાવે છોડી મૂક્યો હતો.
